Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક
Gandhinagar News: રાજ્યમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને પેટ્રોલિયમ ઉત્પાદનોની વર્તમાન સ્થિતિ અંગે શુક્રવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે પાઈપલાઈન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે, તે વિસ્તારોમાં જો રેસ્ટોરન્ટ, હોટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પોતાની જરૂરિયાત મુજબ નવા PNG કનેક્શનની માંગ કરે છે, તો તેમને તાત્કાલિક અસરથી કનેક્શન આપી દેવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં કુદરતી ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં નાગરિકોને પાઈપલાઈન દ્વારા ઘરેલું વપરાશ માટે કુદરતી ગેસ (PNG) નો પુરવઠો સતત મળી રહ્યો છે અને હાલમાં રાજ્યમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર (MD) અવંતિકા સિંઘ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
