• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતના મુખ્યમંત્રી જુઠ્ઠાણાં ચલાવે છે : શક્તિસિંહ ગોહિલ

|
shaktisinh gohil
ગાંધીનગર, 2 ઑક્ટોબર : ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શકિતસિંહ ગોહિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિવેકાનંદજીનું નામ વટાવીને ચૂંટણી સમયે લોકોની વચ્ચે નીકળ્યા છે ત્યારે સદંતર જૂઠ્ઠાણાંઓ બોલી રહ્યા છે. એક મુખ્યમંત્રીને ન છાજે તેવી નીચી કક્ષાએ જઈને કોઈ ટપોરી બોલતો હોય તેવી ટપોરીની ભાષામાં રાજકીય પ્રવચનો કરે છે.

ગોહિલે જણાવ્યું કે '૧૨ વર્ષ સુધી જનતાના ઉપયોગનું એક પણ કામ નહીં કરવાનું વિચારનાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કામના નામે મત માંગી શકે તેમ નથી, માટે વિવેકાનંદજીનું નામ વટાવીને અને સદંતર જૂઠ્ઠી વાતો કરીને ગુજરાતની જનતાની વચ્ચે નીકળ્યા છે ત્યારે ખરા અર્થમાં જે લોકપ્રશ્નો છે તે તેમણે ઉકેલવા જોઈએ. ૧૨ વર્ષ દરમ્યાન નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ખેડૂતો સુધી પહોંચાડવાનું કે ડેમોનું લીંકેજ કરવાનું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સૂઝ્યું નથી. "તરસ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે" એ જ રીતે ચૂંટણી આવે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વચનોની લ્હાણી કરવા માટે નીકળે છે.'

વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીને માટે રાત-દિવસ એક કરનાર ભાજપના જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગુજરાતના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી સામે કેટલાક સવાલો ઉભા કરી ચૂક્યા છે. હિંમત હોય તો ગુજરાતના મુખ્યમંત્રીએ પહેલાં કેશુભાઈ પટેલના સવાલોના જવાબ આપવા જોઈએ અને પછી બીજા સામે આંગળી ચીંધવી જોઈએ. "ઊંટના અઢારે વાંકા" તેમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તમામ અપલક્ષણોથી ભરપૂર છે અને બીજાની તરફ "તારું એક અંગ વાકું" એમ કહી આંગળી ચીંધે છે.

ગુજરાતના ફીક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓને પૂરતો પગાર અપાતો નથી. ગુજરાતની હાઈકોર્ટે "સમાન કામ, સમાન વેતન"ની વાત કરી, તેની સામે પણ ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં જઈને ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે. ગુજરાતમાં આજે પણ ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ જે રાહતની કામગીરી કરવી જોઈએ તે થતી નથી. ખોટા આંકડાઓ ઉભા કરીને જે અસરગ્રસ્ત તાલુકા હતા તેમને પણ અછતમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તેથી હવે આવતા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને પાક વીમો મેળવવાનું પણ મુશ્કેલ પડશે.

વરસાદ વિલંબથી થવાના કારણે અને અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારના ખેડૂતો પાયમાલ થયા છે, ત્યારે અછત તાત્કાલિક જાહેર કરવી જોઈએ અને જો અછત જાહેર નહીં થાય તો ગુજરાતના ખેડૂતોને પાક વીમો હોય કે અન્ય રાહતો હોય તે મળવાની નથી અને આને માટે જવાબદાર એ ગુજરાતના મુખ્યમંત્રી જ રહેશે. ગુજરાતમાં આમ આદમીની ચિંતા કરવાના બદલે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરનાર ગુજરાતના મુખ્યમંત્રીમાં હિંમત હોય તો શ્વેતપત્ર બહાર પાડે કે, કેન્દ્રમાં એનડીએની સરકાર હતી ત્યારે ગુજરાતને શું મળતું હતું અને કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્રમાં સરકાર આવ્યા પછી ગુજરાતને શું મળે છે.

ગોહિલે જણાવ્યું કે હકીકત તો એ છે કે કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્રમાં સરકાર આવ્યા પછી ભૂતકાળમાં ક્યારેય ન મળી હોય તેટલી રકમ અને સહાય એ ગુજરાતને મળી છે. ગુજરાતના વિકાસમાં સહુ ગુજરાતીઓનો પુરુષાર્થ છે અને તેથી ભૂતકાળમાં પણ ગુજરાત ૧૯૯૧માં વિકાસમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે હતું અને ત્યારે કોઈ મુખ્યમંત્રીએ તેનો યશ લેવાનું કે નિષ્ફળતા માટે કોઈના તરફ આંગળી ચીંધવાનો પ્રયત્ન કર્યો ન હતો. ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતની આમ જનતા માટે જે રકમ વપરાવી જોઈએ તે ગુજરાતીઓના હિતમાં વાપરવાને બદલે ગુજરાતના મુખ્યમંત્રી પોતાની પ્રસિદ્ધિ અને પોતાના રાજકીય સ્ટંટ પાછળ બેફામ રીતે વાપરી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિવેકાનંદજીના નામને લઈને પોતાની રાજકીય યાત્રા ચૂંટણી સમયે કરી રહ્યા છે, તેનો તમામ ખર્ચ ભાજપે ઉઠાવવો જોઈએ અને ગુજરાતની તિજોરીમાંથી જે લાખો રૂપિયા ખર્ચાય છે તે આમ જનતાના હિત માટે ખર્ચાવા જોઈએ.

એક મુખ્યમંત્રીને ન છાજે તેવી નીચી કક્ષાએ જઈને કોઈ ટપોરી બોલતો હોય તેવી ટપોરીની ભાષામાં રાજકીય પ્રવચનો કરવા તે ગુજરાતની સંસ્કૃતિ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતની અસ્મિતાનું અપમાન છે. મહાત્મા ગાંધીજીએ અહિંસાની રાજનીતિ સમગ્ર વિશ્વને આપી ત્યારે તે જ ગુજરાતને માટે કલંકિત કહેવાય તેવી હિંસાની રાજનીતિ અને જાહેરખબરોમાં પણ પ્રજાના પૈસે હિંસાની, પોતાની અણઆવડતને છૂપાવતી જાહેરાતો એ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું માત્રને માત્ર નાટક છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ પોતે પોતાના વૈભવી જે ખર્ચાઓ કર્યા છે તેની વિગતો આર.ટી.આઈ.માં પણ આપતા નથી. રાઈટ ટુ ઈન્ફર્મેશનના કાયદા મુજબ જ્યારે ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રીશ્રીના ભ્રષ્ટાચાર કે મુખ્યમંત્રીશ્રીએ પ્રજાની માલિકીના કરોડો રૂપિયા ક્યાં વેડફેલા છે તેની માહિતી માંગવામાં આવે તો તે સુદ્ધાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આપતા નથી. વિદેશમાં જઈને માનીતા ઉઘોગપતિઓને લઈને જે કાંઈ કુકર્મ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યા છે તે સહુ જાણે છે.

ચૂંટણીનો સમય પૂરો થાય કે તુરત જ માનીતા ઉઘોગપતિઓ સાથે ચ્યુઈંગમની જેમ ચોંટીને સ્વાર્થ અને ભ્રષ્ટાચાર માટે માનીતા ઉઘોગપતિઓને જ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ માલામાલ કર્યા છે. ગુજરાતના આમ દલિતને સાંથણીની જમીન મળતી નથી, પરંતુ મુખ્યમંત્રીશ્રીના માનીતા ઉઘોગપતિઓને ગૌચરની લાખો હેક્ટર જમીન આપી દેવામાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સહેજ પણ સંકોચ થતો નથી.

નર્મદાનું પાણી એ દરિયામાં વહી જાય છે, પરંતુ એ જ પાણીથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે કચ્છના ડેમ કે તળાવડા ભરવામાં આવતા નથી. આ પ્રોજેક્ટ આજ સુધી પૂર્ણ કરવામાં આવ્યો નથી. કેટલીક જગ્યાએ માત્ર થોડા જ ખર્ચથી નર્મદાનું પાણી આપી શકાય એમ છે, ત્યાં પણ આ પાણી આપવામાં આવતું નથી. ૧૨ વર્ષ સુધી સહેજ પણ જનહિતનું કામ નહીં કરનારા મુખ્યમંત્રીશ્રી કયા મોઢે વચનોની લહાણી કરે છે ?

હંમેશા કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરનારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ગુજરાતની જનતાની સહેજ પણ ચિંતા નથી. કોંગ્રેસશાસિત રાજ્યોએ દેશમાં તમામ જગ્યાએ આમ જનતાને તકલીફ ન પડે એટલા માટે કેન્દ્ર સરકાર ગેસના બાટલાઓની સબસીડી આપે છે, એ ઉપરાંતના ગેસના બાટલાઓની સબસીડી આપવાનું અને વર્ષમાં ૯થી ૧૦ ગેસના બાટલાઓ સબસીડીના ધોરણે પોતાના રાજ્યના લોકોને મળે તે માટેની વ્યવસ્થા ગોઠવી છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા માટે એક ગેસનો બાટલો પણ સબસીડીના ધોરણે આપવાનું વિચાર્યું પણ નથી કે અમલ પણ કર્યો નથી.

ગુજરાતના લોકોને ઘરનું ઘર આપવાની કોંગ્રેસ પક્ષની એક પ્રતિબદ્ધ જાહેરાતને જબરદસ્ત સમર્થન બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ પોતે ઘર આપ્યા હોવાની ભ્રામક જાહેરાત કરી ત્યારે આર.ટી.આઈ.માં જ મેળવેલી માહિતી બહાર આવી કે ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ છેલ્લા ૧૨ વર્ષમાં ઘરના ઘર કોઈને આપ્યા નથી અને જાહેરાતનો આંકડો એ સંપૂર્ણ જૂઠ્ઠાણાં ભર્યો છે. આવું જૂઠ્ઠાણું ક્યારેય જાહેર જીવનમાં "ન ભૂતો ન ભવિષ્યતિ" એટલે ભૂતકાળમાં કોઈ બોલ્યું નથી અને ભવિષ્યમાં કોઈ બોલશે નહીં.

ગુજરાતના મુખ્યમંત્રી પોતાની ભાષા પર સંયમ નહીં રાખે અને વ્યક્તિગત આક્ષેપોમાં જો નીચી કક્ષાએ ઉતરશે તો ન છૂટકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના અંગત જીવન પર પણ કોંગ્રેસ પક્ષના લોકો તરફથી પ્રશ્નો ઉઠાવવાની મજબુરી પેદા થશે. વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પોતાની ભાષાનો પ્રયોગ એ એક ગુજરાતના મુખ્યમંત્રીને છાજે તે રીતે રાખવા અને ટપોરીની ભાષા ન બોલવા તેમજ વ્યક્તિગત નીચી કક્ષાએ ન ઉતરવા માટે ચેતવણી આપી હતી.

English summary
Gujarat's CM speaks false tales, said leader of opposition Shaktisinh Gohil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more