For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પરાજયને જોઈ રહેલા મોદી ખોટા ઓપીનીયન પોલ કરાવે છે'

|
Google Oneindia Gujarati News

congress
ગાંધીનગર,26 ઓક્ટોબર: પરાજય સામે દેખાતા ગુજરાતના મુખ્‍યમંત્રી શામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર ઉપયોગ કરીને મેનેજ સર્વે દ્વારા ભાજપ ગુજરાતમાં જીતે છે તેવા ઓપીનીયન પોલ પ્રસિદ્ધ કરાવી રહ્યા છે. હકીકતમાં, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્‍છે છે. પ્રવર્તમાન સરકારે છેલ્લા ૧૨ વર્ષમાં લોકોની અપેક્ષાઓની સહેજ પણ પૂર્તિ કરી નથી. માત્ર માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરીને વિકાસના બણગાં ફૂંકનારા તેમજ જૂઠ્ઠાં વચનોની લ્‍હાણી કરનાર મુખ્‍યમંત્રીની વિરુદ્ધમાં ગુજરાતમાં લોકમાનસ જબરદસ્‍ત ઉભું થયું છે.

૧૨ વર્ષમાં જનહિતનું પ્રવર્તમાન સરકારે એક પણ કામ કર્યું નથી અને કામના નામે મત પણ મળી શકે તેમ નથી. લોકોનો મિજાજ ગુજરાતના મુખ્‍યમંત્રી અને ભાજપની વિરુદ્ધનો છે. આ સંજોગોમાં, ગુજરાતના મુખ્‍યમંત્રી અઢળક નાણાંનો ઉપયોગ કરીને પોતાના જ ગાલ ઉપર તમાચો મારી મોઢું લાલ માણસ જેમ રાખતો હોય તેમ ખોટા સર્વે પ્રસિદ્ધ કરાવી રહ્યા છે.

ગુજરાતના મુખ્‍યમંત્રી આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના રસ્‍તે જઈ રહ્યા છે. ચંદ્રાબાબુ નાયડુ પણ જ્‍યારે આંધ્રપ્રદેશમાં મુખ્‍યમંત્રી હતા ત્‍યારે સત્તા અને નાણાંનો ભરપુર દુરુપયોગ કરીને એક પ્રચારનો એવો પરપોટો ઉભો કરી શક્‍યા હતા કે, ચંદ્રાબાબુ નાયડુ વિકાસ પુરુષ છે. સર્વોત્તમ મુખ્‍યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છે તેવો પણ ભરપૂર પ્રચાર તેમણે ત્‍યારે કર્યો હતો. લોકોમાં એવી છબી ઉભી કરવાનો પ્રયત્‍ન કર્યો હતો કે, ચંદ્રાબાબુ નાયડુ એટલે સી.ઈ.ઓ. ઈન પોલીટીક્‍સ. જીવશે ત્‍યાં સુધી ચંદ્રાબાબુ નાયડુ મુખ્‍યમંત્રી રહેશે અને સમય આવ્‍યે દેશના વડાપ્રધાન પણ બનશે, આવી વાતોનો પ્રચાર ચંદ્રાબાબુ નાયડુએ ખૂબ કરાવ્‍યો હતો.

એનડીએના કુકર્મોને સાથ આપનાર ચંદ્રાબાબુ નાયડુ જ્‍યારે આંધ્રની ચૂંટણી આવી ત્‍યારે સમજી ગયા હતા કે લોકમાનસ તેમની વિરુદ્ધ છે અને તેથી જ ચંદ્રાબાબુ નાયડુએ પણ ગુજરાતના મુખ્‍યમંત્રીની જેમ સતત મેનેજ સર્વે કરાવીને ઓપીનીયન પોલ ચેનલો ઉપર પ્રસિદ્ધ કરાવવાનું અને છાપાઓમાં બહોળી પ્રસિદ્ધિ આપવાનું કામ કર્યું હતું અને જાણે કે ફરી આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની જ સરકાર આવશે અને કોંગ્રેસનું કોઈ અસ્‍તિત્‍વ જ નહીં રહે તેવી ભ્રમણા પેદા કરવાનો પ્રયત્‍ન કર્યો હતો.

ચૂંટણી પૂરી થઈ ત્‍યારે એક્‍ઝીટ પોલ દ્વારા પણ આવી જ વાતો ચંદ્રાબાબુ નાયડુએ પ્રચાર અને પ્રસાર દ્વારા કરી હતી. પરંતુ જ્‍યારે મતગણતરી થઈ ત્‍યારે સમગ્ર વિશ્વએ જોઈ લીધું કે, માત્ર પ્રચારના માધ્‍યમથી વિકાસની વાતો કરનારા અને મુઠ્ઠીભર માનીતાઓને માલામાલ કરનારને જનતા ક્‍યારેય લાંબો સમય સાથ આપતી નથી. આજે ચંદ્રાબાબુ નાયડુ ક્‍યાં ખોવાઈ ગયા છે તેની કોઈને પણ ખબર નથી. આ જ પ્રકારે ગુજરાતના મુખ્‍યમંત્રી પણ જ્‍યારે ગુજરાતમાં હારને નજર સમક્ષ જોઈ ગયા છે ત્‍યારે મેનેજ સર્વે દ્વારા જૂઠ્ઠાણાંઓ ફેલાવી રહ્યા છે.

ભૂતકાળમાં પણ જ્‍યારે ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી ત્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રીએ એવા ભાષણો કર્યા હતા કે, ગુજરાતમાંથી એક માઈનો લાલ કોંગ્રેસનો દિલ્‍હીમાં હું નહીં જવા દઉં અને તમામ સીટો મારા નેતૃત્‍વમાં ભાજપ જ ચૂંટીને લોકસભામાં મોકલશે. આમ, ગુજરાતમાં જ્‍યાં સુધી ૨૦૦૪ની લોકસભાની મતગણતરી ન થઈ ત્‍યાં સુધી સતત ગુજરાતના મુખ્‍યમંત્રી અને તેમના મેનેજ સર્વેમાં એવી જ વાત આવ્‍યા કરી કે કોંગ્રેસને માત્ર એક કે વધીને ત્રણ જ બેઠકો મળશે. જ્‍યારે મતગણતરી થઈ ત્‍યારે લગભગ ૫૦% જેટલી બેઠકો લોકસભાની ગુજરાતમાંથી એટલે કે ૨૦૦૪માં ૨૬ કુલ બેઠકોમાંથી ૧૨ લોકસભાની બેઠકો કોંગ્રેસે જીતીને બતાવી હતી. આ જ રીતે ૨૦૦૯માં પણ ભાજપ દ્વારા પીએમ ઈન વેઈટીંગના માધ્‍યમથી જાણે કે એનડીએની જ સરકાર પરત આવવાની હોય તેવા ઓપીનીયન પોલ અને સર્વે ચલાવવામાં આવ્‍યા હતા.

ગુજરાતના મુખ્‍યમંત્રીએ પણ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસમાંથી કોઈ સાંસદ ગુજરાતમાંથી નહીં ચૂંટાય તેવી વાતો કરી હતી. ઓપીનીયન પોલમાં પણ કોંગ્રેસ ગુજરાતમાંથી માત્ર ત્રણ કે પાંચ બેઠકો જ લોકસભામાં ૨૦૦૯ની ચૂંટણીમાં જીતી શકશે તેવી વાતો ચલાવવામાં આવતી હતી. પરંતુ જ્‍યારે મતગણતરી થઈ ત્‍યારે ગુજરાતમાંથી ૧૧ સંસદસભ્‍યો ૨૦૦૯માં પણ કોંગ્રેસના ચૂંટાઈને દિલ્‍હી ગયા છે. આમ, ખોટા ઓપીનીયન પોલ અને સર્વે દ્વારા ગુજરાતના મુખ્‍યમંત્રી પોતાની જે હાર થવાની છે તેની લોકોમાં ઉભી થયેલી પરિસ્‍થિતિને ખાળવા માટેના મિથ્‍યા પ્રયત્‍નો કરી રહ્યા છે. આવા ખોટા ઓપીનીયન પોલ કે જૂઠ્ઠાણાંઓથી ગુજરાતની જનતા ભ્રમિત થવાની નથી, પરંતુ કોંગ્રેસના વિકાસ દર્શનના જે મુદ્દાઓ અપાયા છે તે આમ જનતાને બરાબર સમજાયા છે.

ગુજરાતની જનતાની જે અપેક્ષાઓ ભારતીય જનતા પક્ષની સરકાર પાસેથી હતી તે ૧૨ વર્ષમાં સહેજ પણ ફળીભૂત થઈ નથી, ત્‍યારે ગુજરાતમાં ચોક્કસ કોંગ્રેસની સાથે ગુજરાતના મતદાતાઓ રહેશે અને ગુજરાતમાં જે વિજય થશે તે આમ જનતાની પ્રેમ-લાગણીનો વિજય થશે અને કોંગ્રેસની સરકાર ગાંધીનગરમાં બેસશે.

English summary
Gujarat congress allegation on gujarat government that opinion poll are wrong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X