ગુજરાત સરકારે ડેટા સેન્ટરને આવશ્યક સેવાઓમાં સામેલ કર્યા
ગુજરાત સરકારે રાજ્યમાં કાર્યરત તમામ ડેટા સેન્ટર્સની કામગીરી અને જાળવણીને હવે 'આવશ્યક સેવા’ તરીકે જાહેર કરી દીધી છે. આ મહત્વનો નિર્ણય ગુજરાત આવશ્યક સેવા જાળવણી અધિનિયમ, ૧૯૭૨ (ESMA) ની વિવિધ કડક જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગેઝેટ બહાર પાડીને આ ફેરફાર વિશે સત્તાવાર જાણકારી આપી છે. સરકારના મતે ડેટા સેન્ટર્સ સરકારી કામકાજ, બેન્કિંગ અને હેલ્થકેર જેવી પાયાની સેવાઓ માટે કરોડરજ્જુ સમાન મહત્વનું કાર્ય કરે છે.
જો ડેટા સેન્ટરની કામગીરીમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ પડે તો તેનાથી જનજીવન અને સંચાર નેટવર્ક પર ગંભીર અસર પડી શકે છે. નાગરિકોને પડતી હાલાકી રોકવા માટે ડેટા સેન્ટરની પ્રવૃત્તિઓને ESMA ના દાયરામાં લાવીને તેની અવિરતતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
નવી સૂચના મુજબ ડેટા સેન્ટરના કર્મચારીઓ અને મેનેજમેન્ટ હવે સીધા જ સરકારી કાયદાકીય નિયમો અને દેખરેખ હેઠળ કામ કરશે. આ કાયદા હેઠળ સરકાર પાસે સેવાઓમાં અવરોધ ઊભો કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની વિશેષ સત્તાઓ રહેલી છે.
અગાઉ આરોગ્ય, વીજળી અને પાણી પુરવઠા જેવી પાયાની સેવાઓને જ આ યાદીમાં રાખવામાં આવતી હતી જે હવે ટેકનોલોજી સુધી વિસ્તરી છે. ડિજિટલ યુગમાં ડેટાની સુરક્ષા અને તેની સતત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનો આ નિર્ણય ઘણો દૂરંદેશી ગણાય છે.












Click it and Unblock the Notifications
