PMના કોંગ્રેસ પર પ્રહારો, ચૂંટણી માટે કેસ પેન્ડિંગ રખાય?

Written By:
Subscribe to Oneindia News

ઓખી વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની આશંકા હેઠળ મંગળવારે અનેક ચૂંટણી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા, જો કે હવે આ જોખમ ટળી જતાં ફરી એકવાર પૂર જોષમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમો શરૂ થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ફરી ગુજરાતની મુલાકાતે છે અને તેઓ ધંધુકા, દાહોદ તથા નેત્રંગની મુલાકાત લેનાર છે. તેઓ સુરતમાં પણ સભા કરનાર હતા, પરંતુ ખરાબ વાતાવરણ અને સુરક્ષા દળો નિરીક્ષણ કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે સુરતની સભા ગુરૂવારે રાખવામાં આવી છે.

narendra modi

નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું હતું કે, 'અહીં ધંધૂકામાં મને બધાએ કહ્યું કે, સવારે વહેલા આવશો નહીં, પાણી ભરવામાં બધા વ્યસ્ત હોય. કરવું હોય તો રાત્રિનો કાર્યક્રમ રાખજો. પહેલા એવું હતું, ધંધૂકામાં રાત્રે રોકાવાનું, ઓળો ખાવાનો અને મજા કરવાની. આજે બાબાસાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણની તિથિ છે. આજે સવારે જ સંસદ ભવનમાં બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી ગુજરાત આવવા નીકળ્યો અને સૌથી પહેલાં ધંધૂકામાં આવ્યો. ઠંડીનો ચમકારો, સૂસવાટા મારતો પવન અને છતાં આટલી મોટી વિરાટ મેદની હોય તો કહેવું શું. ભૂતકાળ જેટલો પ્રવાસ આ ચૂંટણીમાં નથી કરી શકતો, જ્યાં પહોંચી નથી શકતો એમની ક્ષમા માંગુ છું. જ્યાં પણ ગયો છું, ત્યાં લોકોએ અંગત તકલીફો બાજુએ મૂકી સૌએ મારું સ્વાગત કર્યું છે. બહુ ઓછાને ખબર હશે કે, આ દેશમાં બાબાસાહેબ હતા જેમણે ભારતમાં પાણીનું સામર્થ્ય, સિંચાઇ યોજનાનો પ્રારંભ કર્યો હતો. ભારતની પોતાની રિઝર્વ બેંકનો વિચાર પણ બાબાસાહેબે જ કર્યો હતો. એક પરિવારનું ભલું કરવા માટે ભારતમાં સતત ષડયંત્રો ચાલી રહ્યા હતા, માત્ર સરદાર જ નહીં, બાબાસાહેબ જેવા મહાન વ્યક્તિ સાથે પણ એવો જ અન્યાય થયો.'

'કોંગ્રેસનું એકચક્રી શાસન હતું અને પંડિત નેહરુની બોલબાલા હતી, બાબાસેહબ વિદ્વાન વ્યક્તિ હતા, એમને બંધારણ સભામાં જીતવા માટે છેક બંગાળ જવું પડ્યું. ત્યારે બાબાસાહેબ બંધારણ સભામાં આવી શક્યા. જ્યાં સુધી દેશમાં કોંગ્રેસનો વાવટો ફરકતો રહ્યો ત્યાં સુધી બાબાસાહેબને સન્માન આપવામાં ન આવ્યું. દિકરીને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા. કારણ અહીં પાણીના વલખા મારવા પડતા હતા. રાણપુરમાં ચેકડેમ બનાવ્યા, તો છાપામાં સમાચાર આવ્યા હતા કે, એ ડેમમાં કેટલું બધું પાણી હતું એ અંગે સમાચાર આવ્યા હતા. અમારી સતત કોશિશ છે, જૂની સમસ્યાઓનું સમાધાન કરવું અને નવાનું નિર્માણ કરતા જવું. આખા ગુજરાતમાં પાણી માટે સંકલ્પ આદર્યો. ગુજરાતને જે ટાઢક જે મળી છે, એ ચૂંટણી માટે નથી. વિકાસના પાયામાં મૂળભૂત સમસ્યા હોય, તેના સમાધાનને વરેલા છીએ. રાજકારણ કરવું હોત હેન્ડ પંપ લગાવીને બેસી રહ્યા હોત. અમારી સરકારે માત્ર પાણી પહોંચાડ્યું એટલું જ નહીં પણ ટેન્કરોના નામે ચાલતો ભ્રષ્ટાચારનો કાળો કારોબાર બંધ કરી દીધો. પહેલાની સરકારમાં પાણી વેચી-વેચીને કરોડપતિ થઇ ગયેલા લોકોને મોદી તો ખૂંચે જ. 15-17 વર્ષના કોઇ છોકરાને કરફ્યૂ શું એ ખબર નથી. તમારી પાસે પૈસા હોય, બંગલો હોય, ચાર બંગડીવાળી ગાડી હોય, પરંતુ સલામતી ન હોય તો ન ચાલે. ભાજપ આવ્યા પછી સલામતી આવી.'

'પહેલા લોકો કહેતા વીજળી લંગડી છે, આજના લોકોએ વર્ષો પહેલાં લોકો પાસે આ શબ્દો સાંભળ્યો હશે. પહેલા રોજ સાંજ પડે વીજળીના વાંધા હતા, આજે એવું નથી. ધંધુકે ન દેજો, વીજળી લંગડી જેવા વાક્યો ભુલાઇ ગયા છે. આ માટે અમે કાળી મજૂરી કરી છે, ગુજરાતની પાઇ-પાઇનો બચાવ કરી એ પૈસા ગુજરાતના પરિવર્તન માટે વાપર્યા છે. 60 વર્ષમાં થયેલા કામ કરતાં ત્રણ ગણું કામ અમે કર્યું છે. હું સીએમ તરીકે ચૂંટાયો, ત્યારે રહેવા માટે ઘર નહોતું. આપણે તો ફક્કર ગિરધારી. હજુ સોગંદવિધિને બે-ત્રણ દિવસો બાકી હતા. બધા મને એક જ વાત કહે કે, તમે એક કામ કરજો, સાંજે વાળુ કરીએ ત્યારે વીજળી કરતા હોય એવું કરજો. આજે ગુજરાતમાં 24 કલાક વીજળી છે. વિજય રૂપાણી, આનંદીબેન પટેલ, ગુજરાત ભાજપને ધન્યવાદ આપું છું હું આ વાત માટે. અમે એક બીજું કામ કરી રહ્યાં છીએ, સોલાર પંપ. મોટા પાયે ભારત સરકાર નાના-મોટા સોલાર પંપનું નિર્માણ કરી રહી છે, ખેતરે-ખેતરે સોલાર પંપ હોય તો વીજળીનું બિલ જ નહીં. ખેડૂતો માટે સોલાર પંપનું કામ પૂર જોષમાં દિલ્હીની સરકાર અને રાજ્ય સરકારે ઉપાડ્યું છે. ખેડૂતો માટે વ્યાજ પણ ઝીરો, વીજળી પણ ઝીરો.'

'ટ્રિપલ તલાકનો મામલે રાજીવ ગાંધીના જમાનાથી લટકેલો મામલો હતો, એ મામલે જ્યારે ચૂકાદાની વાત આવી ત્યારે ઉત્તરપ્રદેશની ચૂંટણી આવવાની હતી. લોકોએ અમને કીધું પણ ખરું કે, આમાં ન પડશો, ફસાઇ જશો. પરંતુ ચૂંટણીના કાવાદાવાને બાજુએ મુકી અમે અંતિમ નિર્ણય લીધો. બીજા લોકો સુપ્રીમ કોર્ટમાં જઇને દલીલ કરે છે કે, લોકસભાની ચૂંટણી માટે રામ મંદિરનો મામલો મુલતવી રાખો, કોર્ટમાં તમે આવી દલીલ કઇ રીતે કરી શકો? તમે કોર્ટમાં દલીલો કરો, બંધારણની કલમો ટાંકો પણ ચૂંટણી માટે મહત્વપૂર્ણ કેસ પેન્ડિંગ રાખવાનું કઇ રીતે કહી શકો?'

English summary
Gujarat Election 2017: PM Modi to address rally in dhandhuka. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.