કોંગ્રેસ ગુજરાતીને PM તરીકે સાંખી શકતી નથી: PM

Written By:
Subscribe to Oneindia News

સોમવારે બપોરે જસદણમાં સભા ગજવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારી, અમરેલી પહોંચ્ય હતા. અહીં પણ તેમણે સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, 'એકાદ મહિના પહેલાં અમરેલી આવવાનો અવસર મળ્યો હતો. ત્યારે વિકાસના અનેક કાર્યોના લોકાર્પણ અર્થે આવ્યો હતો. પરંતુ આજે આ માટીના દિકરા તરીકે આવ્યો છું. કોંગ્રેસ પાર્ટીએ આ વખતની ચૂંટણીને એક ગેરજવાબદાર, વાહિયાત જૂઠ્ઠાણાંથી રંગવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા પણ થઇ છે અને ભાજપનો ઝંડો કાયમ ઊંચો રહ્યો છે. પંરતુ કોંગ્રેસમાં આવી હતાશા, નિરાશા, આવી વાહિયાત વાતો, જૂઠ્ઠાણાં પહેલીવાર જોવા મળે છે. આના પરથી જ કહી શકાય કે, હતાશા કેટલી વ્યાપક હશે! જેઓ એમ માનતા હો કે, દિલ્હીની ગાદી એમના પરિવારજનો માટે જ છે, તેમની બેઠકો 400માંથી 40 થઇ જાય અને તે પણ પાછું એક ચાવાળાને કારણે? સાડા ત્રણ થયા પણ એમને પચતું જ નથી. એમના મગજમાં બેસતું જ નથી કે આ આવ્યો ક્યાંથી? એનું મૂળ કારણે છે કે, કોંગ્રેસની રગેરગમાં, તેમના ચાલ-ચલણમાં ગુજરાત માટેની નફરત ઠૂંસીને ભરેલી છે અને એ કારણે ગુજરાતની સ્વીકારી જ નથી શકતા.'

narendra modi

મનમોહન સિંહ પર પ્રહારો

'ગુજરાતનો મુખ્યમંત્રી નર્મદાના મુદ્દા ઉપર દિલ્હી સરકાર સામે બાથ ભીડીને ઉપવાસ પર બેઠો અને સરકારે ઝૂકવું પડ્યું હતું. આમ છતાં એ વખતના વડાપ્રધાન અહીં આવીને એમ કહે કે, અમારી તો વાત જ નથી થઇ! તો કોણ માને? હવે એમને કોઇએ લખીને આપ્યું હશે તે બોલ્યા. સીધી વાત એક જ છે, ક્યાં કોંગ્રેસ જાહેરાત કરે, વિકાસની દેશમાં જરૂર નથી. એમણે 70 વર્ષમાં જે કરવું હતું એ કરી નાંખ્યું, પરંતુ એ કહેવાની હિંમત નથી. એમને પણ ખબર છે કે, દેશનો દરેક વ્યક્તિ વિકાસ ઇચ્છે છે. તમે કહો, અમરેલીને દરિયાકિનારો મળ્યો છે. આનાથી આખા જિલ્લાનું ભાગ્ય બદલી શકાયું હોત. કોંગ્રેસે 70 વર્ષ સરકાર ચલાવી, પરંતુ અહીં ધ્યાન ના આપ્યું. અમે બ્લૂ ઇકોનોમી, પોર્ટ ડેવલપમેન્ટ અને તેના વિકાસ તથા રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દરિયાના વિકાસ માટે સાગરમાલા યોજના આવશે. અમેરલી આધુનિક બને એ દિશામાં પ્રગતિ થશે.'

'નોટબંધીથી કોંગ્રેસના કમાઉ દિકરા ગયા'

'12 મહિના પછી પણ કોંગ્રેસ નોટબંધીને નામે રોદણા રડે છે. જુવાનજોધ કમાઉ દિકરો ગુજરી જાય ત્યારે 12 મહિના પછી પણ વડીલોનું દુઃખ ઓછું ન થાય. એવું જ કોંગ્રેસનું થયું, નોટબંધી થઇ અને કોંગ્રેસના કમાઉ દિકરા બધા ગયા. એટલે આંસુ સૂકાયા નથી. પરંતુ તમે મારું ઘડતર કર્યું છે, તમે કહો, દેશને લૂંટાવા દેવાય? દેશની જનતાએ મને આ કામ માટે જ બેસાડ્યો છે. ભ્રષ્ટાચાર, કાળુ નાણું, અપ્રમાણિકતા સામે સફાઇ યજ્ઞ શરૂ કર્યો છે. જેમનું લૂંટાઇ જતું હોય એ ચૂપ ક્યાંથી બેસે? મોદી એમના હાથમાં આવે તો કાચો ખાઇ જાય, એમને જે કરવું હોય એ કરે. કાલ કરવું હોય તે આજ કરે, પરંતુ હું અટકીશ નહીં.'

'કોંગ્રેસ રોજ નવા જૂઠ્ઠાણાં લાવે છે'

'અમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બનાવી છે. આ એવી યોજના છે કે, ખેડૂતોને ચિંતાની જરૂર જ નહીં. પાક તૈયાર હોય અને કોઇ કારણસર પાકનું નુકસાન થાય તો એમાં પણ એનો વીમો પાકે એ અમે આ યોજનામાં સુનિશ્ચતિ કર્યું છે. નર્મદાના પાણીથી પાક વધશે. ખેડુ બે પાંદડે થાય એ જ અમારો નિશ્ચય છે. કોંગ્રેસ રોજ નવા જૂઠ્ઠાણાં લઇને આવી જાય છે. સવારે નવા, રાતે નવા અને બીજે દિવસે કંઇ નવા જૂઠ્ઠાણાં.'

English summary
Gujarat Election 2017: PM Narendra Modi addresses rally in Dhari, Amreli.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.