રાજકોટમાં PM: વર મરો, કન્યા મરો, કોંગ્રેસનું તરભાણું ભરો

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ભરૂચ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સભાઓ ગજવી રાતે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં પીએમ મોદીની રેલી નહીં થવા દેવાની ચીમકી કોંગ્રેસે શનિવારે જ ઉચ્ચારી હતી. જો કે, પીએમ મોદીએ રાજકોટમાં પણ વિશાળ જનસભા સંબોધી હતી. પીએમ મોદી પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કેમ છો? કહી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને જ્યારે જનતાએ એમને પૂછ્યું કે, તમે કેમ છો? ત્યારે પીએમ મોદીએ હસીને જવાબ આપ્યો હતો કે, જેવો પહેલા હતો, એવો જ છું.

narendra modi

દુનિયામાં ભારતનો ડંકો વાગે છે

અહીં પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે દુનિયામાં ભારતના નામનો ડંકો વાગે છે. શું છે એનું કારણ? એનું કારણ મોદી નથી. કારણ એ છે કે, 30 વર્ષ પછી આ દેશની જનતાએ પૂર્ણ બહુમત સાથે દિલ્હીમાં સરકાર બનાવી છે. દુનિયાના દેશનો કોઈ પણ વડો જ્યારે મોદી જોડે હાથ મિલાવે છે ત્યારે તેને મોદી નથી દેખાતો એને સવા સો કરોડ ભારતીયો દેખાય છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે એલઇડીનો ભાવ 350 રૂ. હતો, આજે 50 રૂ.માં મળે છે. ગુજરાતમાં 3 કરોડ એલઇડી બિલનું વિતરણ કર્યું અને એના કારણે જે વીજળી બિલ ઘટ્યું અને વીજળી પણ બચી. આ બધાનો હિસાબ કરો તો દેશના 40 હજાર કરોડ રૂપિયા બચાવવાનું કામ અમે કરી બતાવ્યું છે. વળી, એલઇડીને કારણે અજવાળું વધારે આવે, વીજળી બિલ ઘટે અને આંખો ખરાબ ન થાય.

કોંગ્રેસ પર પ્રહારો

'અનેક વડાપ્રધાન આવીને ગયા, મોટી મોટી ડિગ્રીવાળા. અમે તો સામાન્ય માણસ, માત્ર હાર્ડવર્કમાં માનવાવાળા. કોંગ્રેસના એક નેતા ભાષણ આપતા હતા, મોદીજીએ 46 હજાર કરોડ એકર જમીન વેપરીઓને આપી દીધા. અરે, આ તો આખી પૃથ્વીના વિસ્તાર કરતા પણ ત્રણગણું વધારે છે. આવીને કહી ગયા કે, રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. એટલી પણ ખબર નથી કે, એરપોર્ટ બનાવવાની જવાબદારી વડાપ્રધાનની હોય છે અને 10 વર્ષ સુધી તમારી સરકાર હતી. સવાલ કોની પર કરો છો એ તો જુઓ! બે દિવસ પહેલાં યુપીમાં કોંગ્રેસ સાફ થઇ ગઇ. અમે જીતના વિક્રમ બનાવીએ છીએ, એ લોકો હારના વિક્રમ બનાવે.'

નોટબંધી

'ભાડાના ઘરમાં રહેતા દરેક સામાન્ય માણસની ઇચ્છા હોય કે એમનું ઘરનું ઘર હોય. દેશમાં આટલી સરકારો આવી, પરંતુ કોઇ સરકારે મધ્યમ વર્ગના માનવીને ઘર બનાવવું હોય તો એ માટે વિચાર કરવાનું કામ ન કર્યું. એ કામ અમે કર્યું છે. આપણા દેશના ભૂતપૂર્વ પીએમ, આખી કોંગ્રેસ પાર્ટી રોજ રડે છે. નોટબંધીના નામે તક મળે કે તરત આંસુ સારે છે. તમારામાંથી કોઇ છે, જેને નોટબંધીને કારણે વાંધો પડ્યો હોય? તકલીફ એ લોકોને છે, જેમનું ગયું. બેંકોમાં પૈસા જમા થયા અને તેના સરનામાં પણ આવ્યા છે. આથી લોકોની ઊંઘ ઉડી છે. બે કંપની બંધ થાય તો પણ લોકો દેશમાં મોદીના પૂતળા બાળતા હોય, પરંતુ નોટબંધી બાદ 2 લાખ કંપનીઓ બંધ થઇ. કોઇ ચૂં કે ચાં નથી થઇ. આ બધા અંગે કોંગ્રેસને તો પૂછવાની પણ ફુરસદ નહોતી કે ચાલે છે શું? એમ ચાલવા દેવાય? આ અઢી લાખ કંપનીઓમાં હજુ તો આંકડાની ખણખોદ ચાલે છે. આ બધામાં અત્યાર સુધીમાં 4 હજાર કરોડનો ગોટાળો સામે આવ્યો છે. કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે, જેમણે ગરીબોને લૂંટ્યા છે, એમનું ગરીબોને પાછું અપાવીને જ હું જંપીશ.'

વર મરો, કન્યા મરો; કોંગ્રેસનું તરભાણું ભરો

'આપણા દેશમાં સરકારી નોકરી વર્ગ-3 અને વર્ગ-4ની જોઇતી હોય તો એના ભાવ બોલાય. ઇન્ટરવ્યૂમાં 30 સેકન્ડ માણસ આવે અને એ લોકો એટલા ટાઇમમાં કઇ રીતે નક્કી કરે કે એ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. અમે બધું કમ્પ્યૂટરાઇઝ્ડ કરી દીધું. કમપ્યૂટર નક્કી કરશે, મેરિટને આધારે કે કોને નોકરી મળશે. કોઇ ઇન્ટરવ્યૂ નહીં. કટોકટી પછી ઇન્દિરાબહેન હારી ગયા, કોંગ્રેસ સાફ થઇ ગયા. ત્યારે ઇન્દિરાબહેન જ્યારે જુઓ ત્યારે મંદિરોમાં જતા જોવા મળતા હતા. ગળામાં માળા પહેરીને ફરતા હતા. કોંગ્રેસ હાલ એવી જ સ્થિતિમાં છે. ત્યારે એમની પાસે એક જ રસ્તો છે, જાતિવાદનું ઝેર ફેલાવો. વર મરો, કન્યા મરો, પણ કોંગ્રેસનું તરભાણું ભરો. પરંતુ ગુજરાતીઓ એવા લોકોથી બચે. આજે દેશનો પહેલો અવો વડાપ્રધાન છે, જેને તમે પોતાનો ગણી જે ઇચ્છો તે કહી શકો છો. એટલે જ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, રોરો ફેરી શરૂ થઇ.'

English summary
Gujarat Election: PM Modi addresses public rally in Rajkot

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.