Gujarat Elections: લાભ પાંચમના રોજ જાહેર થશે તારીખો
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો તા.25 ઓક્ટોબરે, લાભ પાંચમના દિવસે જાહેર થાય એવી શક્યતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એંધાણ ઘણા સમયથી મળી રહ્યાં છે, પરંતુ હજુ સુધી ચૂંટણીની તારીખની અધિકૃત જાહેરાત નથી થઇ. આ અંગે અનેક તર્ક-વિતર્ક અને પ્રશ્નો થઇ રહ્યાં છે. થોડા સમય પહેલાં જ યોજાયેલ ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત દરમિયાન ચૂંટણી કમિશ્નરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણીઓ 18 ડિસેમ્બર પહેલાં યોજાશે. તાજેતરની જાણકારી અનુસાર, લાભ પાંચમના રોજ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર થાય એવી શક્યતા છે.

પહેલા ખબર હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ યોજાનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ અર્થે તા.16 અને 17 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે અને સાથે જ ભાજપની 15 દિવસ લાંબી ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન સમારોહમાં પણ ભાગ લેશે. જો કે, હવે વડાપ્રધાન 16મીએ માત્ર એક દિવસ ગુજરાતની મુલાકાત લેશે અને ત્યાર બાદ તા.23 એ ફરી પાછા ગુજરાત પધારશે. આથી ચૂંટણીની જાહેરાતો એ પછી લાભ પાંચમને દિવસે જ થાય એવી અટકળો સૌ લગાવી રહ્યાં છે. વળી, દિવાળીના તહેવાર દરમિયાન તારીખો જાહેર થાય એવી શક્યતા નહિંવત છે.
શા માટે લંબાવાઇ ચૂંટણી?
બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. એ વિસ્તારોમાં હજુ પણ પુનર્વસનનું કામ ચલી રહ્યું હોવાથી રાજ્ય સરકારે ચૂંટણી પંચ પાસે સમય માંગ્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખતાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો પાછળ કરી હોવાનું કહેવાઇ રહ્યું છે. રાજકીય પક્ષો તરફથી ચૂંટણી લંબાવવા માટે ભાજપ પોતાનો રાજકીય ફાયદો જોતું હોવાના અક્ષેપો થઇ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
