કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા સોમવારે બપોરે બહેચરાજી પહોંચી હતી. આ પહેલા તેમણે પાટણના વરાણા ખાતે 900 વર્ષ જૂના આઇ શ્રી ખોડિયારા મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પહેલા સોમવારે સવારે તેમણે નીર મેઘમાયા મંદિરની પણ મુલાકાત લીધી હતી અને અનુસુચિત જાતિ સ્વાધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચૂંટણી પહેલાની રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાતોને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વરાણાથી બહેચરાજી પહોંચેલ રાહુલ ગાંધીએ અહીં પણ મંદિરમાં શીષ ઝુકાવ્યું હતું.
મંદિરમાંથી દર્શન કરીને બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું શિવજીનો ભક્ત છું અને સચ્ચાઇમાં વિશ્વાસ રાખું છું. ભાજપ ભલે ગમે તે બોલે પરંતુ હું પોતાની સચ્ચાઇમાં વિશ્વાસ કરું છું. ત્યાર બાદ બહેચરાજીમાં તેમણે જનસભાનું સંબોધન પણ કર્યું હતું. તેમણે રાજ્યમાં હાલ ચાલી રહેલ અનેક આંદોલનો, મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદીજી અનેક વાયદાઓ કરે છે, આખો દિવસ તેમનું માર્કેટિંગ ચાલે છે, પરંતુ સામાન્ય જનતાના હાથમાં કશું નથી આવતું.
નવસર્જન યાત્રાના રસ્તે રાહુલ ગાંધીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. તેમણે પાડાલમાં કેટલાક ખેડૂતો સામે પણ મુલાકાત કરી હતી. મહેસાણાના મેરા ગામ પાસેથી પસાર થતા રાહુલ ગાંધીને એક ખેડૂતે હાથ કર્યો હતો, આથી તેઓ પોતાના કાફલા સહિત ખેડૂતોની વાત સાંભળવા રોકાયા હતા. ખેડૂતે અહીં એરંડા અને કપાસના ભાવની વાત કહી પોતાની મુશ્કેલીઓ રાહુલ ગાંધી સમક્ષ વર્ણવી હતી.
ઉત્તર ગુજરાતની મુલાકાતના ત્રીજા અને છેલ્લા દિવસે રાહુલ ગાંધી વીસનગર, મહેસાણા પહોંચ્યા હતા, મહેસાણામાં રાહુલ ગાંધીએ મોટો રોડ શો પણ યોજ્યો હતો. તેમને જોવા માટે મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી હતી. મહેસાણાના વીસનગરમાં તેમણે જનસભાનું સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધી પહેલાં શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, જય જવાન, જય કિસાનનું સૂત્ર આજે કેન્દ્ર સરકારે બદલીને મરે કિસાન, મરે જવાન કરી નાંખ્યું છે. હાર્દિક પટેલની કથિત વાયરલ સીડી અંગે પણ બોલતા તેમણે કહ્યું હતું કે, ભાજપ પાસે કંઇ બચ્યું નથી, આથી હાર્દિક પટેલને બદનામ કરવા માટે ખોટી સીડી બનાવી છે.