અમિત શાહની ઓડિયો ક્લીપ વાયરલ, 10 વાગ્યા પહેલા કરો મતદાન

Written By: Desk
Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક ઓડિયો ક્લિપ ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરોને મળી રહી છે. ગુજરાતી ભાષામાં ફરતી થયેલી આ ક્લિપમાં અમિત શાહ કાર્યકરોને મતદાનના દિવસે સવારે દસ વાગ્યા પહેલા ઓછામાં ઓછા 10 પાડોશીઓ અને મિત્રોને ભાજપના પક્ષમાં મતદાન કરવા માટે કહેવાનો અનુરોધ કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપને અમિત શાહની 150થી વધુ બેઠકોની રણનીતિ સાથે જોડવામાં આવી રહી છે. આ ઓડિયો ક્લિપની સાથે-સાથે ગુજરાત ભાજપના અન્ય નેતાઓ પણ ઘરે-ઘરે જઈને લોકોને આ જ વાત સમજાવી રહ્યા છે. અને 10 વાગ્યા પહેલાં 10 લોકોને મતદાન કરાવવા માટે અનુરોધ કરી રહ્યા છે.

Amit Shah

આ ઓડિયો ક્લિપમાં અમિત શાહ કહી રહ્યા છે કે, "હું ભાજપ અધ્યક્ષ અમિત શાહ બોલી રહ્યો છું. હું જાણું છું કે તમે પહેલાંથી જ ચૂંટણીના કામમાં લાગેલા છો. પરંતુ ભાજપની જીતની વાત સુનિશ્ચિત કરવા માટે હાલનો સમય ખુબ જ નિર્ણાયક છે. તમારે એક વાતની કાળજી રાખવાની છે કે મતદાનના દિવસે સવારે 10 વાગ્યા પહેલાં તમે તમારા પાડોશીઓ અને મિત્રોમાંથી ઓછામાં ઓછા 10 લોકોને ભાજપના પક્ષમાં વોટ નાખવા માટે લઈ જશો." આ ઓડિયો ક્લિપ અંગે ભાજપના પ્રવક્તા જગદીશ ભાવસારનું કહેવું છે કે આ અપીલ વધુમાં વધુ મતદાન થાય એટલા માટે કરવામાં આવી છે.

GujaratElection

પ્રથમ તબક્કા માટે ગુજરાતમાં 9મી તારીખે મતદાન છે ત્યારે ગુરૂવાર સાંજે પાંચ વાગ્યાથી પ્રથમ ચરણના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ભાજપ છેલ્લાં 22 વર્ષથી રાજયમાં સત્તામાં છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ બરાબરની ટક્કર આપતી પ્રથમ વખત દેખાય રહી છે. આથી છેલ્લી ઘડી સુધી ભાજપ કોઈપણ પ્રકારની કસર છોડવા માંગતી નથી. અને આ જ વાતને ધ્યાને રાખીને ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને ખુદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં દિવસ-રાત એક કરી રહ્યા છે.

Gujarat

ગુજરાતમાં 9મી અને 14મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં જ્યારે બાકીના 14 જિલ્લાઓમાં 14મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. જેનું પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં 4.3 કરોડ મતદાતાઓ 182 બેઠકો પરના ઉમેદવારોના ભવિષ્યને ઈવીએમમાં બંધ કરવાના છે. જેના માટે કુલ 50 હજાર 128 પોલિંગ બૂથો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવારોને વધુમાં વધુ માત્ર 28 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની ચૂંટણી કમિશ્નરે છૂટ આપી છે.

English summary
Gujarat elections: Amit Shah audio request for polls Bring 10 friends neighbours to vote for BJP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.