Gujarat Exit Polls: ગુજરાતમાં મોટી જીત પછી પણ ભાજપ માટે AAPએ ઉભુ કરી દીધુ છે મોટુ જોખમ
ઓછા મતદાનથી સ્પષ્ટ સંદેશ મળે છે કે ગુજરાતના મતદારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ ઓછો રહ્યો. એટલે કે જનતા વર્તમાન સરકારને હટાવવાનુ નથી વિચારી રહી. જાણો આપ કેવી રીતે ભાજપ માટે જોખમ ઉભુ કરશે.
Gujarat Exit Polls: ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકીની 93 બેઠક માટે બીજા અને અંતિમ તબક્કામાં કુલ સરેરાશ 64.39 ટકા મતદાન થયુ છે. પ્રથમ તબક્કામાં આશરે 63.31 ટકા મતદાન થયુ હતુ. બંને મળીને કુલ સરેરાશ 63.85 ટકા મતદાન નોંધાયુ છે. જે 2017માં 70.77 ટકા મતદાન કરતા 6 ટકા જેટલુ ઓછુ છે. ઓછા મતદાનથી સ્પષ્ટ સંદેશ મળે છે કે ગુજરાતના મતદારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ ઓછો રહ્યો. એટલે કે જનતા વર્તમાન સરકારને હટાવવાનુ નથી વિચારી રહી. સામાન્ય રીતે મોટી સંખ્યામાં મતદારો ત્યારે બહાર નીકળે છે જ્યારે તે વર્તમાન સરકારને ઉખાડી ફેંકવા માંગતા હોય અથવા બચાવવા માંગતા હોય.

ઘણી જગ્યાએ કોંગ્રેસે જમીન ગુમાવી
ભાજપ 1997થી ક્યારેય 127થી વધુ બેઠકો જીતી શક્યુ નથી. 2002માં જ્યારે ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી ત્યારે ભાજપને સૌથી વધુ 127 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તમામ એક્ઝિટ પોલ દાવો કરી રહ્યા છે કે ભાજપ 127થી વધુ સીટો જીતી શકે છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને મોટુ નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાય છે. ગઈ ચૂંટણીમાં ખેડૂતોના આંદોલન અને પટેલોના આંદોલનનુ નુકસાન ભાજપને વેઠવુ પડ્યુ હતુ. પરંતુ આ વખતે જે રીતે હવે પાટીદાર આંદોલન હવે ખતમ થઈ ચૂક્યુ છે અને ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેના કારણે ફરી એકવાર અહીં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ભાજપને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફાયદો મળી શકે છે.

મતદારો કોંગ્રેસથી જઈ રહ્યા છે દૂર
જો એક્ઝિટ પોલનુ માનીએ તો આ વખતે કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. આ વખતે કોંગ્રેસની 40-50 સીટો ઓછી થઈ શકે છે. ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તમામ 29 બેઠકો પર જામીન જપ્ત થઈ હતી. પરંતુ આ વખતે અલગ-અલગ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી 9થી 21 સીટો જીતે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં આને આમ આદમી પાર્ટી માટે મોટી સફળતા માનવામાં આવશે. આમ આદમી પાર્ટી ભલે ઓછી સીટો જીતી રહી હોય તેવુ લાગી રહ્યું છે પરંતુ તેના વોટ શેરમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલમાં આ ચૂંટણીમાં 46 ટકા મત ભાજપને, 26 ટકા કોંગ્રેસને, 20 ટકા AAPને અને 8 ટકા અન્યને જઈ શકે છે. ગઈ ચૂંટણીમાં ભાજપને લગભગ 49.5 ટકા વોટ મળ્યા હતા જે આ ચૂંટણી કરતાં લગભગ 3.5 ટકા ઓછા છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટપણે ભાજપના મતમાં ગાબડુ પાડ્યુ છે. કોંગ્રેસને ગઈ ચૂંટણીમાં 41.5 ટકા વોટ મળ્યા હતા પરંતુ આ વખતે તેના વોટ શેરમાં 15.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં AAPએ સીધુ ગાબડુ પાડ્યુ છે. ભાજપ અને કોંગ્રેસના જે વોટ ઘટ્યા છે તે આમ આદમી પાર્ટીના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે. એટલે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપની વોટ બેંકમાંથી લગભગ 19 ટકા વોટ ચોરી લીધા છે.

આપે પાડ્યુ ગાબડુ
ગુજરાતમાં ભાજપને સૌથી વધુ 48 ટકા વોટ મહિલાઓના અને 44 ટકા વોટ પુરૂષોના મળતા હોય તેવુ લાગી રહ્યુ છે. બીજી તરફ કોંગ્રેસને 27 ટકા મહિલાઓ અને 25 ટકા પુરૂષોના મતો મળતાં જણાઈ રહ્યું છે. જ્યારે AAPને 19 ટકા મહિલાઓ અને 21 ટકા પુરૂષોના મત મળ્યા છે. માત્ર આમ આદમી પાર્ટી જ એવી છે કે જેમાં પુરુષોએ વધુ મતદાન કર્યું છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં AAPને બીજેપી કરતાં વધુ દલિત મતો મળતાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસને મુસ્લિમોના સૌથી વધુ વોટ મળતા દેખાઈ રહ્યા છે. બીજેપીને 28 ટકા દલિત વોટ મળી રહ્યા છે, જ્યારે AAPને 30 ટકા વોટ મળી રહ્યા છે. કોંગ્રેસને મુસ્લિમોના સરેરાશ 55 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે, જ્યારે ગઈ ચૂંટણીમાં તેને 70 ટકા વોટ મળ્યા હતા. મતલબ કે કોંગ્રેસના 15 ટકા વોટ કપાયા છે. AAPને 30 ટકા મુસ્લિમ વોટ મળતા જોવા મળી રહ્યા છે.

ભાજપે એંટી ઈન્કમબન્સીને કેવી રીતે હરાવી
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર છે. આમ છતાં પાર્ટી જમીન પર પોતાની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ જણાઈ રહી છે. ગુજરાતમાં જે રીતે એક પછી એક મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી, તેનો ફાયદો પાર્ટીને સ્પષ્ટપણે જોવા મળ્યો. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ કહે છે કે જો આપણે ગુજરાતની વાત કરીએ તો સાબરમતીનો રિવરફ્રન્ટ વિશ્વના 4-5 રિવરફ્રન્ટમાંનો એક છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં નર્મદાના પાણી પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યુ હતુ કે ગુજરાત આઇટી ક્ષેત્રે સ્ટાર્ટઅપના હબ તરીકે આગળ વધી રહ્યુ છે. બરોડામાં એરબસ જહાજ બનાવવામાં આવી રહ્યુ છે. આ રીતે વિકાસના કામો થાય છે ત્યારે જનતા જુએ છે.

મોદીનો જાદૂ ફરીથી ચાલ્યો
જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર આ ચૂંટણી લડી છે, તેનાથી તેને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા હજુ પણ લોકોમાં અકબંધ છે. મહત્વની વાત એ છે કે પીએમ મોદી જ્યારે પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ગયા ત્યારે તેમણે લોકો સાથે સીધો ગુજરાતી ભાષામાં જ ભાવપૂર્ણ સંવાદ કરવાનો પ્રયાસ કર્યો જે અન્ય પક્ષોમાં જોવા મળ્યો ન હતો. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ બંને પક્ષોના ટોચના નેતાઓ ગુજરાતી ભાષામાં લોકો સાથે વાતચીત કરી શક્યા નથી.

કોંગ્રેસ ચૂંટણી લડતા પહેલા જ હારી ગઈ
કોંગ્રેસે ગુજરાતમાં જે રીતે ચૂંટણી પ્રચાર ચલાવ્યો તે જોઈને દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી હતી કે પાર્ટીએ અહીં હાર સ્વીકારી લીધી છે. આમ આદમી પાર્ટીએ જે રીતે ગુજરાતની ચૂંટણી પૂરી તાકાતથી લડી તેનુ સીધુ નુકસાન કોંગ્રેસને થયુ. એવુ લાગે છે કે કોંગ્રેસને પણ એવો અંદાજ હતો કે આમ આદમી પાર્ટી તેની વોટ બેંકમાં મોટો ફટકો મારશે. આ જ કારણ છે કે કોંગ્રેસના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે છેલ્લા દિવસોમાં ગુજરાત પહોંચ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ કેટલાક મહિનાઓથી અહીં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
