ગુજરાતમાં નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવા મંજૂરી અપાઈ, 3 વર્ષમાં ૨૫૫ નવા દવાખાના સ્થાપાયા
ગુજરાત સરકારે રાજ્યના પશુપાલકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ખેતીને પૂરક એવા પશુપાલન વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યમાં ૨૦૦ નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયથી પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધશે અને પશુપાલકોને તેમના ગામ કે નજીકના વિસ્તારમાં જ પશુઓની સારવાર, રસીકરણ અને અન્ય સુવિધાઓ મળી રહેશે.

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં ૨૫૫ નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે. આ પ્રયાસોથી રાજ્યમાં દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે કચ્છ જિલ્લાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અબડાસા, નખત્રાણા, ભચાઉ, સમખિયારી, ભુજ, માંડવી, મુન્દ્રા અને લખપત જેવા તાલુકાઓમાં કુલ ૧૨ નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી મળી છે. આ પગલાથી કચ્છના પશુપાલકોને ઘણી મદદ મળશે.
કચ્છમાં હાલમાં એક વેટરનરી પોલીટેકનિક, ૪૭ પશુ દવાખાના, ૨૯ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અને ૩૨ મોબાઈલ પશુ દવાખાના સહિત કુલ ૧૦૯ એકમો દ્વારા પશુઓની સારવાર થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે અહીં ૩૭૩ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરીને ૨.૨૪ લાખથી વધુ પશુઓને સારવાર પૂરી પાડી છે.












Click it and Unblock the Notifications
