ગુજરાત સરકારે વધુ 11 તાલુકાઓને વિકાસશીલ જાહેર કર્યા, જાણો વધુ વિગત
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના છેવાડાના વિસ્તારોના સર્વાંગી ઉત્થાન માટે મહત્ત્વની જાહેરાત કરી, માનવ વિકાસ સૂચકાંકના 44 માપદંડોને આધારે તાલુકાઓની પસંદગી, નવા તાલુકાઓના વિકાસ માટે ફાળવવામાં આવશે વિશેષ બજેટ.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોનો સમાન અને સંતુલિત વિકાસ થાય તેવા હેતુથી વધુ 11 તાલુકાઓને 'વિકાસશીલ તાલુકા' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે આ અંગેનો પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, જેનો ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક રીતે પછાત ગણાતા વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો છે.
કયા આધારે લેવાયો નિર્ણય?
રાજ્ય સરકાર દ્વારા માનવ વિકાસ સૂચકાંક (Human Development Index) ના 44 જેટલા સામાજિક અને આર્થિક નિર્દેશાંકોને ધ્યાનમાં રાખીને આ તાલુકાઓની પસંદગી કરવામાં આવે છે. આ આયોજન હેઠળ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસલક્ષી કામો હાથ ધરીને સર્વાંગી પ્રગતિ સાધવાનો લક્ષ્યાંક છે.
મહત્ત્વની વાત એ છે કે, જે નવરચિત તાલુકાઓના 50% થી વધુ ગામો અગાઉના વિકાસશીલ તાલુકાઓમાંથી અલગ થઈને નવા બન્યા હોય, તેમને પણ આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
ગ્રાન્ટનું માળખું: કુલ 3 કરોડની સહાય
આ નવી જાહેરાત બાદ, પસંદ થયેલા દરેક તાલુકાને વિકાસ કામો માટે વાર્ષિક ધોરણે કુલ 3 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર થશે.
- વિકાસશીલ તાલુકા યોજના હેઠળ: વાર્ષિક 2 કરોડ.
- ATVT (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) યોજના હેઠળ: વાર્ષિક 1 કરોડ.
આ 11 તાલુકાઓની યાદી
નવા જાહેર કરાયેલા વિકાસશીલ તાલુકાઓ અને તેમના જિલ્લાઓ નીચે મુજબ છે.
જિલ્લો | વિકાસશીલ તાલુકાનું નામ
છોટાઉદેપુર | કદવાલ
તાપી | ઉકાઈ
દાહોદ | ગોવિંદ ગુરુ લીમડી, સુખસર
નર્મદા | ચીકદા
વાવ થરાદ | રાહ, ધરણીધર
બનાસકાંઠા | ઓગડ, હડાદ
મહીસાગર | ગોધર
વલસાડ | નાનાપોંઢા
CMના આ નિર્ણયથી આ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓમાં મોટો સુધારો જોવા મળશે અને રાજ્યની વિકાસ યાત્રા વધુ વેગવંતી બનશે.












Click it and Unblock the Notifications
