સાકાર થશે ગુજરાતનો ઝુંપડપટ્ટી મુક્ત ગુજરાતનો સંકલ્પ

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 17 જાન્યુઆરીઃ રાજ્ચ સરકારઝુંપડપટ્ટી મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાહેરાત કરી છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગોને આગામી પાંચ વર્ષમાં વાજબી કિંમતે આવાસ મળી શકે તે હેતુથી સરકારી સંસ્થાઓ તેમજ ખાનગી વિકાસકારોને પણ જોડવાની રાજ્ય સરકારની નેમ છે. રાજ્ય સરકારે આ માટે એફોર્ડેબલ હાઉસીંગ માટેની નીતિની પણ જાહેરાત કરી છે.

gujarat-slum-free
રાજ્યના શહેરી ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી આ પોલસી અનુસાર રાજ્ય સરકારે આવકને ધ્યાને લઇને પરવડે તેવા આવાસો માટે કેટલાંક માપદંડો નક્કી કર્યા છે. તે મુજબ રૂ. ૧ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવનારા ઇડબ્લ્યુએસ કેટેગરી માટે બે રૂમ, રસોડું બાથરુમ, ટોયલેટ મળી ૨૫-૩૦ ચો. મી.નાં કારપેટ એરિયાના મકાનનું બાંધકામ કરાશે. જ્યારે રૂ. ૧ લાખથી રૂ. ૨.૫૦ લાખ સુધીના લોઅર ઇન્કમ ગ્રુપ-ઓછી આવક ધરાવનારા પરિવાર માટે એલઆઇજી-૧ યોજના અંતર્ગત એક બેડરૂમ, ૧ હોલ, રસોડું બાથરુમ, ટોયલેટના ૩૧થી ૪૦ ચો. મી. કારપેટ એરિયાના મકાન ઉપરાંત એલઆઇજી-૨ અંતર્ગત એક બેડરૂમ, ૧ હોલ, રસોડું, ( વૈકલ્પિક સ્ટડીરૂમ, ચિલ્ડ્રન રૂમ કે ડાઇનીંગ એરિયા) બાથરુમ, ટોયલેટના ૪૧ થી ૫૦ ચો. મી. કારપેટ એરિયા બાંધકામના મકાન તૈયાર કરવામાં આવશે. જ્યારે રૂ. ૨.૫૦ લાખથી પાંચ લાખ સુધીની આવક ધરાવનારા મધ્યમવર્ગના એમઆઇજી-૧ કેટેગરી માટે ૫૧ થી ૬૫ ચો.મી.ના કારપેટ એરિયામાં બે બેડરૂમ, ૧ હોલ, રસોડું, (વૈકલ્પિક સ્ટડીરૂમ, ચિલ્ડ્રન રૂમ કે ડાઇનીંગ એરિયા) બાથરુમ, ટોયલેટના મકાન તૈયાર કરાશે.

રાજ્ય સરકારે યોજનાના ઝડપી અને યોગ્ય અમલીકરણ માટે જાહેર અને ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. આ નીતિ મુજબ ખાનગી વિકાસકારને પ્રોત્સાહન માટે ચારેય કેટેગરીના આવાસો બાંધવામાં આવે તે પ્લોટ ઉપર એફોર્ડેબલ કે ફ્રી સેલ એમ બંને પ્રકારના બાંધકામ માટે મહત્તમ ત્રણ સુધી એફએસઆઇ મળવાપાત્ર થશે. વિકાસકાર દ્વારા એફોર્ડેબલ બાંધકામ સિવાયની બાકીની જમીન ઉપર કોઇપણ પ્રકારના મકાન-ફ્લેટ બાંધી શકાશે બાકીની જમીન ઉપર કુલ બાંધકામના ૧૦ ટકા અથવા સ્થાનિક જીડીસીઆરની જોગવાઇઓ પૈકી જે વધારે હશે તે કોમર્શિયલ બાંધકામ મળવાપાત્ર થશે.

આ પ્રોજેક્ટ માટે ૧૮ મી. અથવા વધુ પહોળાઇના રોડ ઉપરના બિલ્ડીંગની ઊંચાઇ ૪૫ મી. અને ૩૦ મી. અથવા વધુ પહોળાઇના રોડ ઉપરના બિલ્ડીંગની ઊંચાઇ ૭૦ મી. સુધી મંજૂર કરી શકાશે. આ પ્રોજેક્ટ માટે વરસાદના પાણીનો સંગ્રહ ફરજીયાત છે. બાંધકામ ટેકનોલોજી કેન્દ્ર કે રાજ્ય સરકારના દ્વરા માન્ય સક્ષમ સંસ્થા દ્વારા ચકાસીત અને પ્રમાણિત હોવી જોઇશે. શક્ય હોય ત્યાં સુધી એનર્જી સેવીંગ, ઇકો ફ્રેન્ડલી બિલ્ડીંગ મટેરીયલ્સનો ઉપયોગ તેમજ વોટર રીસાયકલ થાય તે ઇચ્છનીય છે.

આવાસ યોજનામાં લેન્ડ સ્કેપીંગ અને વૃક્ષારોપણ કરવાનું રહેશે. આ યોજના માટે મહાનગરપાલિકા તેમજ શહેરી વિકાસ સત્તાંમંડળના ૮ કી.મી., અ-વર્ગની નગરપાલિકા વિસ્તારમાં ૫ કી.મી. તેમજ અન્ય નગરપાલિકા વિસ્તારમાં ૩ કીમી.ની ત્રિજ્યામાં મકાન ધરાવતા ન હોય તેઓ આવા આવાસ મેળવવાને પાત્ર બનશે.

આ ઉપરાંત આ નીતિમાં દર્શાવ્યા પ્રમાણે એફોર્ડેબલ આવાસ માટે પસંદ કરેલા લાભાર્થીઓને જાહેર સંસ્થાઓની જમીન તેમના મકાનના બાંધકામ પૂરતી ૯૯ વર્ષના ભાડાપટ્ટાથી આપવાની રહેશે. આખરી યાદી મુજબ ફાળવણી અમલીકરણ એજન્સી દ્વારા કરવામાં આવશે. એલોટમેન્ટ બાદ લાભાર્થીએ કુલ કિંમતના દસ ટકા પેમેન્ટ કરવાનું રહેશે અને અમલીકરણ એજન્સીએ વિકાસકારને બાંધકામના પ્રમાણમાં ચૂકવણી રિલિઝ કરવાની રહેશે. જ્યારે બાંધકામ પૂર્ણ થયા બાદ ત્રણ માસમાં અમલીકરણ એજન્સી દ્વારા લાભાર્થીઓની સોસાયટીની રચના કરી નિભાવણીની કામગીરી સોંપવામાં આવશે. એમઆઇજીના લાભાર્થીઓ પાંચ વર્ષ સુધી જ્યારે બાકીના સાત વર્ષ સુધી ફાળવવામાં આવેલાં આવાસ વેંચી શકશે નહી કે ભાડે આપી શકશે નહીં.

આ નીતિ અંતર્ગત બાંધકામની પૂરી તકેદારી રાખવાની રહેશે અને અમલીકરણ એજન્સી દ્વારા યોજના દિઠ તાંત્રિક અધિકારીને જવાબદારી સોંપવાની રહેશે તેમજ સક્ષમ ટીપીઆઇ દ્વારા ગુણવત્તાલક્ષી ચકાસણી કરાવવાની રહેશે. આવા મકાનો માટે સ્ટ્રક્ચરલ ડિફેક્ટ લાયેબિલીટી પીરીયડ બાંધકામ પૂર્ણ થયા બાદ દસ વર્ષનો રહેશે. જો કે, લાભાર્થી પાસેથી આવાસ યોજનાની જાળવણી અને મરામત માટે યોગ્ય ડિપોઝીટ લેવામાં આવશે તેમજ મરામતની જવાબદારી એસોસીએશનની રહેશે

રાજ્ય સરકારની એફોર્ડેબલ હાઉસીંગ યોજના અંતર્ગત ત્રણ મોડેલ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ મોડેલ અંતર્ગત જાહેર જમીન ઉપર જાહેર એજન્સી કામગીરી કરશે. જેમાં વિકાસકારની પસંદગી જાહેર ટેન્ડર પ્રક્રિયા દ્વારા સૌથી ઓછી કિંમતના માપદંડ મુજબ કરવાની રહેશે. બીજા મોડેલમાં જાહેર જમીન ઉપર ખાનગી વિકાસકારને તક આપવામાં આવશે. જેમાં એફોર્ડેબલ મકાનો ખાનગી વિકાસકાર દ્વારા સરકારી કે હાઉસીંગ બોર્ડની જમીનો ઉપર બાંધવામાં આવશે. વિકાસકારની પસંદગી ટેન્ડર દ્વારા કરવામાં આવશે. વધુમાં વધુ બિલ્ડ અપ બનાવવાની ઓફર આપવામાં આવશે તેની પસંદગી કરવામાં આવશે. બાકીનો બિલ્ડ અપ ખાનગી વિકાસકાર એફોર્ડેબલ આવાસ યોજના માટેના પ્લોટ ઉપર જ પોતાના ફ્રી સેલ માટે કરી શકશે. જેમાં વિકાસકાર દ્વારા બાંધવામાં આવનાર આવાસના બિલ્ટઅપ એરિયાના ઓછામાં ઓછા ૬૦ ટકા માટે રહેણાંક જંત્રી દર રૂ. ૧૫,૦૦૦ પ્રતિ ચો. મી. કરતાં ઓછી અને ઓછામાં ઓછા ૭૦ ટકા માટે રૂ. ૧૫,૦૦૦ પ્રતિ ચો. મી. કરતાં વધુ જંત્રી દર રહેશે.

આ યોજના માટેની એજન્સી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શહેરી વિકાસ સત્તામંડળ, વિસ્તાર વિકાસ સત્તામંડળ રહેશે. મોડેલ-ત્રણમાં ખાનગી જમીન ઉપર ખાનગી વિકાસકારને પ્રોત્સાહિત કરવામાં આવશે. આવા વિકાસકાર ખાનગી જમીન ઉપર ઓઆરએસ ઝોનમાં ફક્ત એફોર્ડેબલ હાઉસીંગ તેમજ નીતિ મુજબ કોમર્શિયલ બાંધકામ કરી શકશે. રહેણાંક હેતુવાળા અન્ય ઝોનમાં કુલ બાંધકામના ૬૦ ટકા એફોર્ડેબલ હાઉસ બનાવવાના રહેશે. તેમજ કુલ બાંધકામના ૧૫ ટકા અથવા કુલ આવાસોના ૩૫ ટકા બે પૈકી જે વધારે હોય તે મુજબ ઇડબ્લ્યુએસ કે એલઆઇજી પ્રકારના આવાસો બનાવવાના રહેશે.
રાજ્ય સરકારની આ યોજનાને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને પરવડે તેવા મકાનો તૈયાર કરવાનો રાજય સરકારનો સંકલ્પ મુખ્ય મંત્રી ગૃહ યોજના દ્વારા સાકાર થઇ રહ્યો છે.

English summary
Gujarat government anounce chief minister house project with desire of slum free gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.