ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારી છ મહિલા ખેલાડીઓને ગુજરાત સરકાર આટલા લાખની સહાય આપશે
ટોક્યો ઓલમ્પિકમાં ભારત તરફથી રમનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓને લઈને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે.
ટોક્યો ઓલમ્પિકમાં ભારત તરફથી રમનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓને લઈને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. એક સાથે રાજ્યની છ મહિલા ખેલાડીઓ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે ત્યારે રાજ્ય સરકારે આ તમામ ખેલાડીઓને 10 લાખની પ્રોત્સાહક સહાયની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ૬૦ વર્ષમાં પ્રથમવાર ગુજરાતના એક સાથે 6 ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ર૩મી જુલાઇથી ટોક્યો ખાતે શરૂ થઈ રહેલા ઓલમ્પિક-ર૦ર૧માં ગુજરાતની એક સાથે ૬ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. ગુજરાતની આ છ દિકરીઓને 10 લાખ રૂપિયાની સહાય મળશે. તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટનમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૦ લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ટોક્યો ઓલમ્પિક -૨૦૨૧ ર૩ જુલાઇ ૨૦૨૧ થી ૮ ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક ૨૪ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાશે.












Click it and Unblock the Notifications
