પ્રદૂષણ ઘટાડવા બેટરી સંચાલિત વાહનો ખરીદવા સરકાર આપશે સહાય
Electric Vehicles in Gujarat: સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ-વાહનો થકી સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે, એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે.
આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ 2015-16માં ધોરણ 9 થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને ઈ-વાહનો ખરીદ્યા છે.
જેમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી - GEDA દ્વારા અંદાજે રૂપિયા 56 કરોડથી વધુની સહાય ડારેક્ટ બેનિફિસિયરી ટ્રાન્સફર - DBT દ્વારા ચૂકવાઈ છે, તેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવાયું હતું.
ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર રૂપિયા 48 હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂપિયા 12 હજારની સહાય DBT દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે.
જ્યારે, દ્વિચક્રી વાહન ચલાવવાનો ખર્ચ માત્ર 20 પૈસા પ્રતિ કિલોમીટર જેટલો જ આવે છે. આ સિવાય ક્રુડ ઓઈલને આયાત કરાતું હોવાથી તેના હુંડીયામણમાં પણ જંગી ખર્ચ થાય છે.
આમ કલાઈમેટ ચેન્જની સમસ્યા વચ્ચે બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ, પર્યાવરણનું જતન અને રાષ્ટ્રહિત એમ તમામ રીતે લાભદાયી છે.

સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં લેતા અને ઈંધણની વધતી જતી માંગને પહોંચી વળવા આપણે ઈ-વાહનોનો ઉપયોગ વધારવો પડશે, તેમ મંત્રી મુળુભાઈ બેરાએ ઉમેર્યું હતું.
ક્લાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના રિક્ષાચાલકો, મહિલા અને યુવા સ્ટાર્ટઅપ સાહસિકો, બેરોજગારોને રોજગારી આપવા તેમજ સહકારી મંડળીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ, યાત્રાધામો જેવી સંસ્થાઓને પણ લાભ મળે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19થી બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન સહાય યોજના અમલી બનાવી છે.
આ યોજનામાં લાભાર્થીઓને પ્રતિ વાહન રૂપિયા 48 હજારની નાણાકીય સહાય પણ DBT દ્વારા આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ 925 લાભાર્થીઓને રૂપિયા 4 કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે.
આ યોજનાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વવાળી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા દ્રિચક્રીય વાહનો માટે 7500 તેમજ ત્રિચક્રીય વાહનો માટે 1000 નો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપને વધારવા માટે તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનના વિકાસકારોને નાણાકીય પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ 2021 થી અમલી બનાવી છે.
ઈલેક્ટ્રિક વાહનોના લાભ - ઈલેક્ટ્રિક વાહનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આ વાહનો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતા નથી.
આ ઉપરાંત ગ્લોબલ વર્મિંગ, હવા તેમજ ધ્વની પ્રદૂષણમાં ઘટાડો કરે છે. પરંપરાગત વાહનોની તુલનામાં વિદ્યુત/ઇલેક્ટ્રિક વાહનોથી પ્રદૂષણ લગભગ શૂન્ય હોય છે, જેનાથી સ્વચ્છ હવા અને સ્વસ્થ પર્યાવરણનો અનુભવ કરી શકાય છે.
આ સાથે જ ઊર્જાની નોંધપાત્ર બચત, પેટ્રોલ-ડિઝલના વધુ ખર્ચથી મુક્તિ, બેટરી, મોટર કંટ્રોલર, ચાર્જર જેવા ઓછા સ્પેર પાર્ટ્સથી બનેલું હોવાથી ઓછો મેઇન્ટેનન્સ તેમજ મોબાઈલની જેમ બેટરીને ચાર્જ પણ કરી શકાય છે.
આ ઉપરાંત બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહનના ઉપયોગથી પેટ્રોલની બચત સાથે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાય છે.












Click it and Unblock the Notifications
