Gujarat Rain : ગુજરાતમાં વરસાદનો કહેર, ઉત્તર ગુજરાતમાં આભ ફાટવા જેવી સ્થિતી
Gujarat Rain : સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર યથાવત છે.

ઉત્તર ગુજરાતમાં આ ચોમાસાનો સૌથી ભારે વરસાદ પડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં માત્ર પંદર કલાકના ટૂંકા ગાળામાં જ ૧૫ ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
આ ઉપરાંત બનાસકાંઠાના વાવમાં ૮.૪૪ ઇંચ, ભાભરમાં ૬.૨૦ ઇંચ અને થરાદમાં ૬.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લામાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે, જ્યાં સાંતલપુરમાં ૭.૩૨ ઇંચ અને રાધનપુરમાં ૭.૪૪ ઇંચ વરસાદથી ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. મહેસાણાના કડીમાં પણ ૫.૨૦ ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યભરમાં વીસથી વધુ તાલુકાઓમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને ડેમોમાં નવા નીર આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદની ટકાવારી ૧૦૭ ટકા પર પહોંચી ગઈ છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડ જિલ્લાના કપરાડામાં છેલ્લા ૩૬ કલાકમાં ૧૫ ઇંચ અને ધરમપુરમાં ૯.૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના વ્યારામાં ૫.૨૪ ઇંચ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આમરણ ચોવીસી પંથકમાં ૫ થી ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોરબી શહેરમાં પણ ૪ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છના રાપર અને ભચાઉ પંથકમાં પણ અનુક્રમે સાડા ત્રણ અને અઢી ઇંચ વરસાદ થયો છે.
વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.












Click it and Unblock the Notifications
