ગુજરાત હાઉસિંગ બોર્ડના ડ્રોની તારીખો નક્કી થઇ, 12 જુલાઇથી ડ્રો શરૂ થશે
ગાંધીનગર, 9 જુલાઇ : ગુજરાતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલા મકાનોની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવનારી છે. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતનાં જુદાં જુદાં શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઊભા કરાનારા એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના ડ્રોની નવી તારીખો નક્કી કરી દેવામાં આવી છે. આ મુજબ ડ્રોની જાહેરાત 12 જુલાઇથી શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે ગત 15મી જૂનના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં રાજકોટમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં બોર્ડ દ્વારા બની રહેલ આવાસ માટેનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો યોજવામાં આવ્યો હતો. આ ડ્રોમાં છબરડો નોંધાતા સરકારે ડ્રો રદ્દ જાહેર કર્યો હતો અને સાથે જ નવેસરથી ડ્રો યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
આ જાહેરાત મુજબ હવે ગુજરાતમાં પાંચ તબક્કામાં ડ્રો કરવામાં આવશે. અમદાવાદમાં બે ભાગમાં ડ્રો કરાશે. પ્રથમ ડ્રોમાં ચેનપુર, હાથીજણની યોજનાનો સમાવેશ થશે. બીજા ભાગમાં શાસ્ત્રીનગર સ્થિત યોજનાનો સમાવેશ થાય છે.

ત્યાર બાદ વડોદરા બાદ સુરત, રાજકોટ, અમદાવાદ પછી રાજકોટ અને ફરી પાછો અમદાવાદમાં ડ્રો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ જે લોકોના ડ્રોમાં નંબર લાગ્યો છે તેમણે હાઇકોર્ટમાં જવાની સમગ્ર પ્રક્રિયા સંપન્ન કરી દીધી છે. કોઇ અડચણ ઊભી થાય તે પહેલાં જ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના ડ્રો કરી દેવા માટેની સૂચિત તારીખો નક્કી કરી દેવામાં આવી છે.
અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે જુદી જુદી યોજનાઓ બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં ઓનલાઇન તથા ફિઝીકલી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. આ ડ્રોમાં ઓનલાઇન અરજીઓ કરનારાઓનો જ ડ્રોમાં નંબર લાગ્યો હોવાની વાતને લઇને વિવાદનો મધપૂડો છેડાયો હતો.
ડ્રોમાં થયેલી ગરબડ અંગે નીતિન પટેલે વિધાનસભામાં આપેલા જવાબમાં એમ પણ જણાવ્યું કે સોફટવેર ડેવલપર દેવ ઈન્ફોર્મેશન ટેકનોલોજી લી. દ્વારા કરવામાં આવેલ ગંભીર ક્ષતિને ધ્યાને લઈ તેનો વર્ક ઓર્ડર તાત્કાલીક અસરથી સ્થગિત કરાયો છે. કંપનીને બોર્ડની કામગીરી માટે 3 વર્ષ માટે ગેરલાયક કરવામાં આવે છે. બોર્ડની તરફેણમાં રૂપિયા 7,00,750ની પરફોર્મન્સ સીકયુરીટી વસુલાતનો હુકમ કરાયો છે. બોર્ડને થયેલા નુકસાનની વસુલાતનો અધિકાર અબાદિત રાખ્યો છે. સરકાર દ્વારા આઈટીની નવી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે.
સરકારે જે નવી તારીખો જાહેર કરી છે તે આ મુજબ છે...
ડ્રોની સૂચિત તારીખ શહેર
12મી જુલાઇ વડોદરા
13મી જુલાઇ સુરત
18મી જુલાઇ અમદાવાદ (ચેનપુર, હાથીજણ)
19મી જુલાઇ રાજકોટ
25મી જુલાઇ અમદાવાદ (શાસ્ત્રીનગર)












Click it and Unblock the Notifications
