હવમાન સમાચાર: ગુજરાતમાં આભ ફાટ્યું, ચોમાસાનો 100 ટકા વરસાદ વરસી ગયો
Gujarat Monsoon Update, હવામાન સમાચાર: છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે છેલ્લા 10 વર્ષની સરેરાશના આધારે ગુજરાત રાજ્યમાં તેના સરેરાશ ચોમાસાના લગભગ 100 ટકા વરસાદને પૂર્ણ થયો છે.
મંગળવારની સવારે 8 વાગ્યા સુધીમાં, રાજ્યમાં કુલ સરેરાશ 879.96 મીમી વરસાદ નોંધાયો છે, જે ચોમાસાના સમયગાળા માટે સરેરાશ વરસાદના લગભગ 99.66 ટકા છે.
સરેરાશ ચોમાસાના વરસાદની દ્રષ્ટિએ કચ્છ 116.79 ટકા સાથે મોખરે છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાત 108.20 ટકા અને સૌરાષ્ટ્ર 101.52 ટકા છે. આ તમામ પ્રદેશો તેમના પ્રદેશ મુજબ ચોમાસાના સરેરાશ વરસાદ સુધી પહોંચી ગયા છે.

આ દરમિયાન, પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાત પ્રદેશોએ તેમની મોસમી સરેરાશના અનુક્રમે 98.74 ટકા અને 79.99 ટકા વરસાદ નોંધાવ્યો છે.
જે તાલુકાઓમાં 1,000 mm (39 ઇંચ) થી વધુ વરસાદ થયો છે, તેમાં મોડાસા, નડિયાદ, આણંદ, બોરસદ, ખંભાત, તારાપુર, પાદરા, વડોદરા, છોટા ઉદેપુર, ગોધરા, મોરવા (હડફ), સંતરામપુર, ધોરાજી, ટંકારા, દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કેશોદ, માળીયા હાટીના, માણાવદર, મેંદરડા, વંથલી, વિસાવદર, તાલાલા, પાટણ વેરાવળ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, વાલિયા, દેડિયાપાડા, નાંદોદ, સાગબારા, તિલકવાડા, સોનગઢ, વાલોડ, કુવાડવી, બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, સુરત શહેર, ઉમરપાડા, ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વાંસદા, ધરમપુર, કપરાડા, પારડી, ઉમ્બરગાંવ, વલસાડ, વાપી, ડાંગ-સબ, આહવા, અને વાઘાઈનો સમાવેશ થાય છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે.
વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.
આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં 7 ઈંચથી વધુ, અન્ય 11 તાલુકામાં 6 ઈંચથી વધુ, 16 તાલુકામાં 5 ઈંચથી વધુ, 25 તાલુકામાં 4 ઈંચથી વધુ, 40 તાલુકામાં 3 ઈંચથી વધુ, 37 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત 35 તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 251 તાલુકામાં સરેરાશ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 27મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.












Click it and Unblock the Notifications
