Gujarat News: કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરી રાહત પેકેજ જાહેર કરાશે, જાણો
Gujarat News: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ અને ઝડપી નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે, માવઠાથી થયેલી નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને આ સર્વે પૂરો થયા બાદ રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને કારણે અંદાજે 10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હોવાથી તેમને મોટું આર્થિક નુકસાન થયું છે અને સરકાર આ સ્થિતિથી વાકેફ છે.
સર્વે અને મોનિટરિંગની ઝડપી કામગીરી
ખેડૂતોને તેમના આર્થિક નુકસાનનું પૂરતું અને યોગ્ય વળતર મળે તે માટે સરકારે કૃષિ વિભાગને 'એક્શન મોડ'માં આવવા સૂચના આપી છે.
- 7 દિવસમાં સર્વે: કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, ટેક્નોલોજીના માધ્યમથી 7 દિવસમાં સર્વે પૂરા કરવા આદેશ આપ્યા છે. જો ટેક્નોલોજીમાં કોઈ મુશ્કેલી આવે તો ફિઝીકલ ટીમ પણ તેમાં મદદ કરશે અને સર્વેની કામગીરી પૂર્ણ કરાશે.
- રિયલ ટાઇમ મોનિટરિંગ: પાંચ જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. મંત્રીઓને અલગ-અલગ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે અને તમામ જિલ્લામાં રિયલ ટાઇમ મોનિટરિંગ થઈ રહ્યું છે.
- સમાવેશ: જ્યાં વરસાદ પડ્યો છે અને માહિતી નથી મળી તેવા તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવશે.
કયા પાકોને નુકસાન અને સરકારનું વલણ
મંત્રીએ જણાવ્યું કે, સોયાબીન, શેરડી અને તુવેરના પાકમાં મુખ્યત્વે નુકસાન થયું છે. જોકે, અન્ય પાક (જેમ કે ડુંગળી, કપાસ) જે ઊભા છે તેને માવઠા પછી નુકસાન ન થાય તે માટે ખેડૂતોને કઈ દવાઓનો ઉપયોગ કરવો તેની એડવાઈઝરી (સલાહ) પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
કૃષિ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, "જ્યાં જ્યાં મુશ્કેલી છે, નુકસાન છે, ખેડૂત છે તે બધા માટે સરકાર ઊભી છે અને સરકાર નિર્ણય પણ કરશે." સરકારની પ્રાથમિકતા ખેડૂતોને બેઠા કરવાની છે. 7 દિવસમાં સર્વે પૂર્ણ થતાં જ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે, જેથી ખેડૂતો વહેલી તકે નુકસાનની ભરપાઈ કરી શકે.












Click it and Unblock the Notifications
