Gujarat Rain : ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છનો વારો, અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain : સોમવારે સવારથી જ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અહેવાલ મુજબ, સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન ગુજરાતના ઘણા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.
આંકડા અનુસાર, કચ્છના રાપરમાં સૌથી વધુ 96 મિમી (3.78 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય બનાસકાંઠાના ભાભરમાં 86 મિમી (3.39 ઇંચ) અને કચ્છના ગાંધીધામમાં 82 મિમી (3.23 ઇંચ) વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પાટણના સંતલપુર (69 મિમી), કચ્છના નખત્રાણા (64 મિમી), અને ભચાઉ (64 મિમી) વરસાદ નોંધાયો છે. કચ્છના લખપત અને પાટણના રાધનપુરમાં 61 મિમી (2.40 ઇંચ) વરસાદ નોંધાયો તો મોરબીના માળિયા (49 મિમી), કચ્છના અંજાર (51 મિમી), અને ભુજ (45 મિમી)માં પણ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના કારણે કચ્છમાં જનજીવન પ્રભાવિત થયું છે. કચ્છના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ, GSRTCની 10 બસ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે, જેનાથી 18 ટ્રીપ પ્રભાવિત થઈ છે.
રાપર તાલુકામાં આવેલો નેશનલ હાઈવે 927C (ચિત્રોડ-રાપર-બલાસર) વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. વૈકલ્પિક માર્ગ તરીકે રાપર-કલ્યાણપુર-સેલારી-ફતેહગઢ-મોવાણા-બલાસર રોડનો ઉપયોગ કરવા લોકોને વિનંતી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. એક ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. આ પરિસ્થિતિ જોતાં લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
