Gujarat Rain : સરદાર સરોવર 75 ટકા ભરાયો, જાણો અત્યારસુધીના વરસાદ સાથે જોડાયેલા તમામ આંકડા
Gujarat Rain : ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારૂ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.39% વરસાદ નોંધાયો છે, જે 567.82 મિમી જેટલો થાય છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ 75% થી વધુ ભરાઈ ગયો છે, જેમાં હાલ 252,399 મિલિયન ક્યુબિક ફીટ (mcft) પાણીનો સંગ્રહ છે.

રાજ્યના વિવિધ પ્રદેશોમાં વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યાં મોસમનો 68.79% વરસાદ નોંધાયો છે. ત્યાર પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અનુક્રમે 66.54% અને 66.21% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 56.31% અને કચ્છમાં 65.13% વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 જિલ્લાના 48 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સરેરાશ 2.82 મિમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં થયો છે, જ્યાં વલસાડ શહેરમાં 102 મિમી, પારડીમાં 100 મિમી, ઉમરગામમાં 67 મિમી અને વાપીમાં 61 મિમી વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ચીખલીમાં પણ 42 મિમી વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ સુધીમાં 252,399 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 75.55% છે. ડેમમાં પાણીની આવક 67,639 ક્યુસેક છે અને જાવક 55,607 ક્યુસેક છે.
ગુજરાતના અન્ય 206 જળાશયોની વાત કરીએ તો તેમાં કુલ 388,411 mcft પાણીનો સંગ્રહ છે, જે તેમની કુલ ક્ષમતાના 69.62% છે. આ જળાશયોમાંથી 31 જળાશયો 100% ભરાઈ ગયા છે, 72 જળાશયોમાં 70% થી 100% પાણી છે, જ્યારે 33 જળાશયોમાં 25% થી ઓછું પાણી છે.
રાજ્યના 52 ડેમ હાઈ એલર્ટ પર છે, જેમાં દાહત્રવાડી, શેત્રુંજી અને ન્યારી-2 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 25 ડેમ એલર્ટ પર અને 26 ડેમ વોર્નિંગ સ્ટેટસ પર છે. એલર્ટ પર રહેલા ડેમમાં આજી-1, આજી-3, ધરોઈ, સુખી અને ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે. જ્યારે ઉકાઈ, ભાદર-2, કડાણા અને હાથમતી જેવા ડેમ વોર્નિંગ પર છે કારણ કે તે 70% થી વધુ ભરાયા છે.
મુખ્ય ડેમની સ્થિતિ જોઈએ તો ધરોઈ 87% ભરાયો છે, હાથમતી 76% અને સુખી 86% થી વધુ ભરાયો છે. વણાકબોરી અને મચ્છુ-1 ડેમ 60% થી વધુ ભરાયા છે. કડાણા ડેમ 78%, પાનમ 84%, ઉકાઈ 70% અને દમણગંગા ડેમ લગભગ 61% ભરાયો છે.
જો કે, ઉત્તર ગુજરાતના બે મોટા ડેમ, સીપુ અને દાંતીવાડામાં પાણીની આવક હજુ ઓછી છે. સીપુ ડેમ તેની કુલ ક્ષમતાના માત્ર 11.81% અને દાંતીવાડા 30% થી ઓછો ભરાયો છે.












Click it and Unblock the Notifications
