Gujarat rain : ગુજરાતમાં સિઝનનો ૮૪ ટકા વરસાદ નોંધાયો, આગામી ૨૪ કલાક ભારે
Gujarat rain : ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૭.૪૩ ટકા વરસ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ૮૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને ૨૮ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં છોટા ઉદેપુરના સંખેડામાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સુરત, સાબરકાંઠા, તાપી અને વડોદરાના કેટલાક તાલુકાઓમાં પણ ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૮૪ ટકાથી વધુ ભરાઈ ગયો છે, જેમાં હાલ ૨,૮૩,૪૩૧ MCFT પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં પણ ૭૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. કુલ ૬૭ ડેમ ૧૦૦ ટકાથી વધુ ભરાતા તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ૧૨ અને SDRFની ૨૦ ટીમોને જુદા જુદા જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. વરસાદને કારણે જોખમ ધરાવતા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૫,૧૯૧ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ૯૬૬ લોકોને બચાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
