Gujarat rain : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
Gujarat rain : ગુજરાતમાં આ વર્ષે ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૩.૩૯ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે રાહતની વાત છે.
જો કે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. રાજ્યના માછીમારોને ૨૪ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોઈએ તો સૌથી વધુ વરસાદ કચ્છ રિજનમાં ૬૩.૩૫ ટકા નોંધાયો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત રિજનમાં ૫૬.૩૨ ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૨ ટકાથી વધુ, અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૦.૦૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
ચોમાસા દરમિયાન રાજ્યના ૧૪૧ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિમિ (૧૦ થી ૨૦ ઇંચ) સુધી, ૫૫ તાલુકામાં ૫૦૧થી ૧૦૦૦ મિમિ (૨૦ થી ૪૦ ઇંચ) સુધી તેમજ ૧૮ તાલુકામાં ૧૦૦૦ મિમિથી વધુ એટલે કે ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયામાં સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર અને તાલુકામાં અઢી ઇંચથી વધુ અને વાપી તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.
ચોમાસા દરમિયાન કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
આ ઉપરાંત, NDRFની વધુ ૩ ટુકડીઓ અને SDRFની ૧૩ ટીમને હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
વરસાદ અને ભારે પવનના કારણે રાજ્યના કુલ ૧૪,૫૧૫ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જો કે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે.
પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે રિપેર કરી ચાલુ કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નાગરિકોને પણ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી રહી છે.












Click it and Unblock the Notifications
