Gujarat Rain : હાલ ગુજરાતમાં વરસાદથી વિરામ, આ તારીખથી વધુ એક રાઉન્ડ જોવા મળી શકે
Gujarat Rain : ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન નિષ્ણાતો આગામી દિવસોમાં વધુ એક વરસાદી રાઉન્ડની આગાહી કરી રહ્યા છે.
આ વર્ષના ચોમાસાએ રાજ્યના મોટા ભાગના વિસ્તારોને સંતોષકારક વરસાદ આપ્યો છે. હાલમાં જ પસાર થયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના લગભગ 80 થી 85 ટકા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

આ સિસ્ટમ હવે પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે, જેને કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ લગભગ શાંત પડી ગઈ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે આગામી 15 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે.
આ સમયગાળા દરમિયાન હવામાન સૂકું અને સામાન્ય રહેશે અને પવનની ગતિ પણ 10 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય થઈ જશે. આ વિરામ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતરૂપ છે, કારણ કે પાણી ભરાયેલા વિસ્તારો સુકાઈ જશે અને કૃષિ કાર્યો સરળ બનશે.
જો કે, હજુ ચોમાસું સત્તાવાર રીતે પૂરું થયું નથી. સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં 15 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે.
આ રાઉન્ડમાં રાજ્યભરમાં છૂટોછવાયો અને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આ વરસાદ ચોમાસાની વિદાય પહેલાનો છેલ્લો વરસાદી રાઉન્ડ હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
