હવે જિલ્લા પંચાયત પ્રમુખોને 1 કરોડની ગ્રાન્ટ મળશે
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યની તમામ જિલ્લા પંચાયતોના પ્રમુખોને તેમના કાર્યક્ષેત્રમાં વિકાસ કાર્યો હાથ ધરવા માટે વાર્ષિક 1 કરોડ (એક કરોડ રૂપિયા) ની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ભંડોળથી ગામડાઓમાં પાયાની સુવિધાઓ અને અન્ય વિકાસ કાર્યો પણ ઝડપી બનશે.

આ નિર્ણયથી હવે જિલ્લા પંચાયત પ્રમુખોને ધારાસભ્યો જેવી સ્વતંત્ર સત્તા પ્રાપ્ત થશે. તે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તાત્કાલિક અને અત્યંત આવશ્યક કામોને સ્વયં મંજૂર કરી શકશે. આ ભંડોળ છેવાડાના વિસ્તારો સુધી માળખાકીય સુવિધાઓ પહોંચાડી સર્વગ્રાહી ગ્રામીણ વિકાસનો માર્ગ મોકળો કરશે.
આ ગ્રાન્ટની ફાળવણી ધારાસભ્યોને મળતી ગ્રાન્ટની પેટર્ન પર આધારિત છે. હાલમાં રાજ્યમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં વિકાસ કામો માટે વાર્ષિક 2.5 કરોડ (અઢી કરોડ રૂપિયા) મેળવે છે. જિલ્લા પંચાયત પ્રમુખોએ પણ પોતાના વિસ્તારમાં લોકઉપયોગી કાર્યો માટે આવા સ્વતંત્ર ભંડોળની લાંબા સમયથી માંગણી કરી હતી.
પ્રમુખોની આ રજૂઆતને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક રીતે સ્વીકારી અને ત્વરિત નિર્ણય લીધો છે. તેમણે સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) ને રાજ્યની તમામ ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખોને આ ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે ફાળવવાની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વધુ મજબૂત બનશે અને નાના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે.












Click it and Unblock the Notifications
