For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ પરેડમાં ગુજરાતનો જલવો, પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ટેબ્લો પ્રથમ ક્રમે રહ્યો

નેશનલ પરેડમાં ગુજરાતનો જલવો જોવા મળ્યો હતો. હવે ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત ટેબ્લો પિપલ્સ ચોઈસ એવોર્ડમાં વિજેતા થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : 26મીં જાન્યુઆરીએ યોજાતી ભવ્ય પરેડમાં ભારતના રાજ્યો તેમની ઝાંખીને ટેબ્લો રૂપે રજુ કરે છે. આ વખતે પણ અલગ અલગ થીમ પર ટેબ્લો રજુ કરાયા હતા ત્યારે ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ લોકોને પસંદ આવ્યો છે.

Tableau of Gujarat

પુનઃપ્રાપ્ય ઊર્જાથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના સંદેશને મૂર્તિમંત કરતા ગુજરાતના ટેબ્લો ''ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત'' ને દેશભરના રાજ્યોની પ્રસ્તુત ઝાંખીમાં પ્રથમ ક્રમ મળ્યો છે. My Gov Platform દ્વારા ટેબ્લોની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઇન વોટિંગ પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે રહ્યો છે.

આ વખતે ગુજરાતે 'ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાતની થીમ આધારિત ઝાંખી કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૩ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના ૧૭ રાજ્યો તથા ૬ મંત્રાલયો મળીને કુલ ર૩ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. ગુજરાતે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સૌર-પવન ઊર્જાના મહત્તમ ઉપયોગથી ક્લિન ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગનો ધ્યેય સફળતાપૂર્વક પાર પાડ્યો છે. ગુજરાતમાં એશિયાનો સૌપ્રથમ સોલાર પાર્ક પાટણના ચારણકા ખાતે સ્થાપ્યો હતો. માત્ર એટલું જ નહીં ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરનારૂ ભારતનું પ્રથમ રાજ્ય પણ ગુજરાત બન્યું હતું.
હાલ કચ્છ ખાતે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. રિન્યુએબલ એનર્જીને હાર્નેસ કરવાની દિશામાં ગુજરાતની આ બેજોડ ઉપલબ્ધિને આ વખતની ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ ટેબ્લોમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ ૨૪x૭ સોલાર ઉર્જા મેળવતું મોઢેરા ગામ, PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ઉર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઉર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, ભૂંગા, સફેદ રણ, માટીના કલાત્મક લીંપણ, રણના વાહન ઊંટ તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સરીખા રાસ-ગરબાને પણ દર્શાવવામાં આવ્યા હતા.

ગુજરાતે સોલાર અને વિન્ડ જેવા ક્લિન-ગ્રીન અને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનોનો ઉપયોગ કરી વિશ્વને ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર થઇ પર્યાવરણનું જતન કરવાની દિશામાં નવતર માર્ગ ચીંધ્યો છે ત્યારે ''ક્લિન અને ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત''ના વિષય આધારિત ટેબ્લો તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ની પરેડમાં સૌના આકર્ષણનું કેંદ્ર બન્યો હતો.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે વર્ષ-2022થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ''My Gov platform'' મારફતે દેશની આમજનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી ''પીપલ્સ ચોઈસ એવોર્ડ'' આપવાનો પ્રારંભ કર્યો છે.

આ વર્ષે 26 થી 28 જાન્યુઆરી 2023 દરમિયાન ઓનલાઈન વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ વોટ્સ પૈકી સૌથી વધુ વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો દેશભરના રાજ્યોમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં અગ્રીમ વિજેતા જાહેર થયો છે.

English summary
Gujarat's Tableau stood first in the People's Choice Awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X