33 વર્ષ બાદ ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો પાછો મળ્યો
33 વર્ષ બાદ ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટનો દરજ્જો પાછો મળ્યો છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) એ દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે. આ ઐતિહાસિક નિર્ણય સાથે 2026ની રાષ્ટ્રીય વાઘ ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થશે, જેનાથી સિંહની ગર્જના સાથે હવે વાઘની ત્રાડ પણ રાજ્યના જંગલોમાં ગુંજી ઉઠશે.

એશિયાઈ સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે વૈશ્વિક સ્તરે જાણીતા ગુજરાત રાજ્યમાં હવે વાઘની હાજરી એક નવી ઓળખ ઉમેરશે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં એક ચાર વર્ષનો વાઘ કાયમી વસવાટ કરી રહ્યો છે. વન અધિકારીઓ મુજબ, તે ફેબ્રુઆરીના મધ્યમાં ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પાર કરીને અભયારણ્યમાં પ્રવેશ્યો હતો.
શરૂઆતમાં ભટકતા મનાતા આ વાઘની રતનમહાલમાં દસ મહિનાની સતત હાજરીએ તેને ગુજરાતનો કાયમી રહેવાસી બનાવ્યો છે. વન વિભાગના ફોટોગ્રાફિક પુરાવા અને કેમેરા-ટ્રેપ ફૂટેજ આધારે NTCA એ કાયમી વસ્તીને માન્યતા આપી છે. આથી, NTCA એ 2026ની અખિલ ભારતીય વાઘ અંદાજ (AITE)માં ગુજરાતનો સમાવેશ મંજૂર કરાયો છે.
ગુજરાતમાં વાઘનો ઇતિહાસ ઉતાર-ચઢાવભર્યો રહ્યો છે. છેલ્લી 1989ની વાઘ ગણતરીમાં માત્ર સગડ મળ્યા, કોઈ વાઘ નહોતો દેખાયો. પરિણામે 1992ની વસ્તી ગણતરીમાંથી ગુજરાતને બાકાત કરાતા તેણે ટાઇગર સ્ટેટનો દરજ્જો ગુમાવ્યો હતો. 2019માં દેખાયેલો એક વાઘ પણ માત્ર 15 દિવસ જ જીવી શક્યો હતો.
રતનમહાલનો આ નવો મહેમાન વાઘ સંપૂર્ણ સ્વસ્થ અને સુરક્ષિત સ્થિતિમાં છે. NTCAના એક અધિકારીએ જણાવ્યું કે, દસ મહિનાથી આ વાઘ એક જ વિસ્તારમાં રહે છે, જે ગુજરાતના જંગલોને વાઘ માટે યોગ્ય અને અનુકૂળ સાબિત કરે છે.
NTCA આ વાઘ માટે ભવિષ્યની મોટી યોજનાઓ ધરાવે છે. આગામી વસ્તી ગણતરીમાં વાઘને રેડિયો કોલર કે ટેગથી સજ્જ કરાશે. ગુજરાતના વન અધિકારીઓને વાઘની ગતિવિધિઓ પર નજર રાખવા સ્ટ્રાઇપ (STRIPE) સોફ્ટવેર સિસ્ટમ પર વિશેષ તાલીમ પણ અપાશે.
આગળના પગલા રૂપે વન અધિકારીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર વિસ્તારનું સઘન સર્વેક્ષણ કરશે, જેથી નજીકમાં કોઈ માદા વાઘની સંભવિત હાજરી જાણી શકાય. રતનમહાલને વાઘ અભયારણ્ય જાહેર કરતા કે માદા વાઘ સ્થાનાંતરિત કરતા પૂર્વે પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વસ્તીનું મૂલ્યાંકન કરાશે.
ફેબ્રુઆરીના મધ્યમાં રતનમહાલ-મધ્યપ્રદેશ સરહદ પર દેખાયેલો આ ચાર વર્ષનો વાઘ હવે અહીં સ્થાયી થયો છે. રાજ્યના વન અધિકારીઓએ તેના લાંબા ગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા જરૂરી સંરક્ષણાત્મક પગલાંનો અમલ શરૂ કર્યો છે, જે ગુજરાતના વન્યજીવન માટે એક આશાસ્પદ ભવિષ્ય સૂચવે છે.












Click it and Unblock the Notifications
