દાહોદમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું
ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે દાહોદમાં ચાઈનીઝ દોરીથી એક યુવકનું ગળું કપાયાની ગંભીર ઘટના બની છે. આ ચેતવણીરૂપ કિસ્સામાં યુવકને ગળાના ભાગે 50 ટાંકા આવ્યા છે અને હાલત ગંભીર છે.

અહેવાલો અનુસાર, દાહોદના ગરબાડા ચોકડી બ્રિજ પાસેથી યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેના ગળા અને ખભાના ભાગે ઘાતક ચાઈનીઝ દોરી આવી હતી. દોરી વાગતાં યુવક બાઇક પરથી નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જ્યાં ગળામાં ઊંડા ઘા હોવાથી 50 ટાંકા લેવા પડ્યા હતા.
ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ છે, જેનું ઉલ્લંઘન કાયદાકીય ગુનો બને છે. ઉતરાણ પર્વમાં ચીનથી આવતી આ ઘાતક દોરી પશુપક્ષીઓ તેમજ નિર્દોષ મનુષ્યો માટે જીવલેણ નીવડે છે.
આવા બનાવો રોકવા ગુજરાત પોલીસે રાજ્યભરમાં ચાઈનીઝ દોરી સામે ખાસ ઝુંબેશ ચલાવી છે, તેમ છતાં અકસ્માતો સતત સામે આવી રહ્યા છે.
પોલીસ ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીનો જથ્થો પકડવા સક્રિય છે. જોકે, કેટલાક વેપારીઓ પોલીસને ચકમો આપી છૂપાવેલા જથ્થાનું ગુપ્ત રીતે વેચાણ કરે છે. આવા લેભાગુ તત્વોને પકડવા પોલીસ સતત પ્રયાસશીલ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ચાઈનીઝ દોરીનો વેપાર કે ઉપયોગ કરનાર અંગે 100 અથવા 112 નંબર પર તાત્કાલિક માહિતી આપે.












Click it and Unblock the Notifications
