Gujarat News: 31 ઓક્ટોબરથી 7 દિવસ 'સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025'ની ઉજવણી કરવામાં આવશે
Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ 31 ઓક્ટોબરથી 06 નવેમ્બર, 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 'સતર્કતા જાગૃતિ સપ્તાહ-2025' ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જીવનમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ સ્થાપિત કરવાનો છે.

ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, આ સપ્તાહના ભાગરૂપે ગત 10 સપ્ટેમ્બર, 2025થી શરૂ કરીને 09 ડિસેમ્બર, 2025 સુધી એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
સપ્તાહ દરમિયાન શું કાર્યક્રમો યોજાશે?
રાજ્ય સરકારના તમામ વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ-નિગમો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ જાગૃતિલક્ષી અને સુધારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
- સત્યનિષ્ઠાના શપથ: તમામ કર્મચારીઓ અને નાગરિકોને સત્યનિષ્ઠાના શપથ લેવડાવવા.
- ભ્રષ્ટાચાર સામે લડત: નિવારાત્મક તકેદારી થકી ભ્રષ્ટાચાર સામેની લડતનું મહત્ત્વ સમજાવવું.
- પડતર કેસનો નિકાલ: લાંબા સમયથી પડતર ફરિયાદો અને કેસોનો ખાસ ઝુંબેશ દ્વારા ઝડપી નિકાલ કરવો.
- વહીવટી સુધારા: નિવારાત્મક તકેદારીના ભાગરૂપે પ્રણાલીગત સુધારા માટે વિશેષ ઝુંબેશ ચલાવવી.
- ડિજિટલ પહેલ: સેવાઓ આપવામાં ડિજિટલ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું.
- ક્ષમતાવર્ધન: કર્મચારીઓ માટે તકેદારી અને ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમો યોજવા.
- 'સતર્કતા: આપણી સહિયારી જવાબદારી'
ગુજરાત તકેદારી આયોગે જણાવ્યું છે કે, આજના સમયમાં સતર્કતા (Vigilance) પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે, જેનાથી સમાજમાં વિવિધ પ્રકારના ગુનાઓને અટકાવી શકાય છે અને નાગરિક સમાજને વધુ સુરક્ષિત બનાવી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા આ સપ્તાહની ઉજવણી "સતર્કતા: આપણી સહિયારી જવાબદારી" - "Vigilance: Our Shared Responsibility" ની થીમ પર કરવામાં આવશે, જે 27 ઓક્ટોબરથી 02 નવેમ્બર, 2025 દરમિયાન યોજાશે. ગુજરાતમાં પણ આ થીમ અને ઉદ્દેશને અનુસરીને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે.












Click it and Unblock the Notifications
