Gujarat Weather: સૂત્રાપાડામાં સાંબેલાધાર 22 ઈંચ ખાબક્યો, આજે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં ત્રીજા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો છે. જેમાં મંગળવારે ગીરસોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં 22 ઈંચ વરસાદ ખાબક્યો છે. 43 જળાશયોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19 અને 20 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટના ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા 60 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. વરસાદના કારણે ઘણી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કોડીનાર, સુરત, તલાલા અને મેંદરડામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં 19થી 21 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે.
સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં 206 જળાશયો પૈકી 43 જળાશયો હાઈ એલર્ટ, 18 જળાશય એલર્ટ અને 19 જળાશય વૉર્નિંગ પર છે. ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે વાવેતર વિસ્તારની સામે 71.31 ટકા વાવેતર થયુ છે.
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર-SEOC ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરીને રાહત કમિશ્નર આલોકકુમાર પાંડેએ તમામ વિભાગોને જરુરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
ચોમાસામાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરીને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે તેમ એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓએ જણાવ્યુ હતુ.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૯ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૨.૩૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૨૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૪.૬૧ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૩.૫૩ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ૨૧૮ મિ.મી., માંગરોળમાં ૧૯૩ મિ.મી., જામકંડોરણામાં ૧૭૬ મિ.મી., ઉપલેટામાં ૧૧૯ મિ.મી., મેંદરડામાં ૧૦૮ મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં ૧૦૬ મિ.મી., સુરત શહેરમાં ૧૦૪ મિ.મી., પેટલાદમાં ૧૦૦ મિ.મી. આમ કુલ ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
કેશોદ તાલુકામાં ૮૮ મિ.મી., લુણાવાડામાં ૮૭ મિ.મી., દસાડામાં ૭૬ મિ.મી., વડાલીમાં ૬૪ મિ.મી., ખેરગામમાં ૬૨ મિ.મી., વિસાવદરમાં ૬૦ મિ.મી. તથા માણાવદરમાં ૫૮ મિ.મી. આમ કુલ ૨૦ જિલ્લાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૫૬ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માળીયાહાટીના તાલુકામાં ૧૫૮ મિ.મી., પાટણ-વેરાવળમાં ૧૦૭ મિ.મી., વાપીમાં ૯૪ મિ.મી., સુત્રાપાડામાં ૬૯ મિ.મી. આમ કુલ ૫ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
