Gujarat Weather: ગુજરાત પર વાવાઝોડુ ત્રાટકશે કે નહિ? અમુક જગ્યાએ વરસાદની સંભાવના
Gujarat Weather: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અરબ સાગરમાં ઉભી થયેલ સાઈક્લોનિક સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે કે નહિ તે અંગે આજે આગાહી કરવામાં આવી શકે છે. જો કે, તે પાકિસ્તાન કે ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે.
રાજ્યમાં હાલમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

તમને જણાવી દઈએ કે અરબ સાગરમાં ઉભી થયેલી સાયક્લોનિક સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેની સંભાવના છે. આ દરમિયાન ગઈકાલે સાંજ પછી બનાસકાંઠા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સાબરકાંઠામાં રાતે વીજળીના કડાકા સાથે વાવાઝોડુ અને વરસાદ પડ્યો હતો. જેના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ હોર્ડિંગ્સ પડી ગયા હતા. ઈડરમાં 0.75 મીમી, ખેડબ્રહ્મામાં 05 મીમી, વડાલીમાં 08 મીમી અને હિંમતનગરમાં 07 મીમી વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠાના પાલનપુરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. જે બાદ નીચણવાળા વિસ્તારો સહિત અમદાવાદ-આબુ હાઈવે પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનો ખોટવાયા હતા. હવામાન વિભાગે હજુ પણ બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
નોંધનીય છે કે હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં આજથી ચાર દિવસ સુધી હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. વળી, વાવાઝોડાના જોખમ બાબતે તેમણે જણાવ્યુ છે કે અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, જે મંગળવારે લો પ્રેશર બનશે અને તે પછી જ તેનુ એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે.
રાજ્યમાં સર્જાયેલા વરસાદી માહોલના પરિણામ તાપમાનનો પારો ઘટ્યો છે. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે હાલમાં રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નહિવત છે પરંતુ તેમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદ થયો હતો. હજુ પણ લોકલ કનેક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
