ગુજરાતમાં બેવડી ઋતુની અસર: વહેલી સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં હાલ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે ઠંડક અને બપોરના સમયે ઉકળાટભરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં આ 'બેવડી ઋતુ'ની અસર યથાવત રહેશે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
આજે વહેલી સવારે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો:
- નલિયા: 12.0 ડિગ્રી
- અમરેલી: 14.6 ડિગ્રી
- ડીસા: 15.2 ડિગ્રી
- કેશોદ: 15.9 ડિગ્રી
- ગાંધીનગર: 16.2 ડિગ્રી
- કંડલા અને પોરબંદર: 16.0 ડિગ્રી
કેમ આ વખતે કાતિલ ઠંડી ગાયબ છે?
સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનો ગુજરાતને ઠુંઠવી દેતા હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ છે. હવામાન નિષ્ણાતોના મતે તેના મુખ્ય ત્રણ કારણો છે:
- હિમવર્ષાનો અભાવ: આ વર્ષે હિમાલયમાં મજબૂત 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સર્જાયા નથી, જેના કારણે પહાડો પર પૂરતી હિમવર્ષા થઈ નથી. પરિણામે મેદાની વિસ્તારો સુધી ઠંડીનું મોજું પહોંચી શક્યું નથી.
- અલ-નિનોની અસર: પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના (અલ-નિનો) ને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે.
- ગરમ પવનો: અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનો લઘુતમ તાપમાનને નીચે જવા દેતા નથી.
ગ્લોબલ વોર્મિંગની સ્પષ્ટ અસર
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતની ઋતુચક્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વર્ષે ડિસેમ્બરમાં ઠંડીના દિવસો કરતા ગરમી અને ઉકળાટના દિવસો વધુ રહ્યા છે.
- નલિયાના આંકડા: ડિસેમ્બર-2024માં નલિયામાં પારો 22 વખત 10 ડિગ્રીથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 4 જ વાર પારો 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે.
- અમદાવાદની સ્થિતિ: અમદાવાદમાં છેલ્લા 15 વર્ષમાં આ સૌથી ઓછી ઠંડી વાળો જાન્યુઆરી રહ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું હતું, તેની સામે આ વર્ષે માત્ર 4 જ દિવસ પારો ગગડ્યો છે.
નિષ્ણાતોના મતે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓમાં આ પ્રકારનો અસાધારણ બદલાવ જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.












Click it and Unblock the Notifications
