Gujarat Weather: આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે વરસાદ, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે સમગ્ર રાજ્ય પર
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદ રહેશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે ઉત્તર ગુજરાતમાં સક્રિય થનારા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં રહેશે. જો કે, સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળશે.

આઈએમડીના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આગાહીમાં જણાવ્યુ કે આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં હળવો વરસાદ રહેશે. વળી, દરિયાકાંઠે પવનની ગતિ વધુ છે. પશ્ચિમ બંગાળ ઉપર જે ડીપ ડિપ્રેશન છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ભારે પવનના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલ તેમજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે.અમદાવાદમાં વરસાદી ઝાપટા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
ભારે વરસાદ અને દરિયામાં હલચલના કારણે માછીમારોને રવિવાર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દરિયો હમણા તોફાની રહી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 79 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 135 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, મધ્ય ગુજરાતમાં 63 વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 46 તાલુકામાં 40 ઈંચથી વધુ, 106 તાલુકામાં 20થી 40 ઈંચ, 93 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
આ ઉપરાંત રાજ્યના 207માંથી 63 જળાશયો છલકાયા છે. સૌરાષ્ટ્રના 48, કચ્છના 10, દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશયો સંપૂર્ણપણે ભરાઇ ગયા છે. 207 જળાશયોમાં 71 ટકાથી વધુ જળસંગ્રહ છે. રાજ્યના 206માંથી 125 જળાશયો હાઈએલર્ટ પર, 11 જળાશયો વોર્નિંગ પર છે. 81 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 206 જળાશયોમાં 69 ટકા જળસંગ્રહ છે.












Click it and Unblock the Notifications
