Gujarat Weather: આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો વરસશે અનરાધાર, રાજ્યમાં 7 દિવસ રહેશે મેઘમહેર
Gujarat Weather: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત થયા બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે.
આઈએમડીના જણાવ્યા મુજબ જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે.

વળી, ખેડા અને આણંદમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. વિભાગે સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. 22 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ, માળીયા હાટીના અને વાપીમાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 7.3 ઈંચ, કુતિયાણામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 71 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.
ગાંધીનગરમાં ધોધમાર વરસાદને પગલે પીપળજ ગામમાં બેટમાં ફેરવાઈ ગયુ હતુ. વળી, વડોદરામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 12. ફૂટ ઉપર પહોંચી ગઈ છે. જેમાં ભયજનક સપાટી 26 ફૂટ છે. આજવા ડેમની સપાટી 208.80 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો શહેરીજનો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
નોંધનીય છે કે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 75 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. બુધવારે જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર જિલ્લાઓમાં મેઘરાજાનુ રૌદ્ર સ્વરુપ જોવા મળ્યુ હતુ.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 61.30 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. રાજ્યમાં કુલ 55.41 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. કપાસનું સૌથી વધુ 25.39 લાખ હેક્ટરમાં, તેલીબીયા પાકોનું કુલ 15.11 લાખ હેકટરમાં,મગફળીનું કુલ 15.84 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે.












Click it and Unblock the Notifications
