Weather News: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં ઠંડીની બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો કરે તેવી આગાહી કરી છે. તેમણે 17 ડિસેમ્બરથી ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની અને માવઠા (બિન-મોસમી વરસાદ) થવાની શક્યતા વ્યક્ત કરી છે.

17થી 24 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલના આંકલન મુજબ, 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 18થી 24 ડિસેમ્બરની વચ્ચે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થઈ શકે છે. આ સમયગાળામાં બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન (હળવું દબાણ) સર્જાવાની શક્યતા છે. આ ભેજના પ્રભાવ અને અરબી સમુદ્રના હળવા ભેજને કારણે ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) રચાશે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે અને માવઠું થવાની સંભાવના છે.
ઠંડીમાં વધારો નહીં, તાપમાન ઊંચું રહેશે
હાલમાં ડિસેમ્બરનો અડધો મહિનો વીતી જવા છતાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી. હવામાન વિભાગ (IMD) એ પણ આગામી સપ્તાહમાં તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાના સંકેત આપ્યા નથી. તેનાથી વિપરીત, IMDએ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાના સંકેત આપ્યા છે.
જોકે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ લઘુત્તમ તાપમાન વધતા ઠંડીનું જોર ઓછું થશે. હાલમાં પવનની દિશા પૂર્વ તરફ હોવાથી સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી નોંધાયું, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.
ઘઉં, તુવેર અને જીરૂના પાકને નુકસાનની ભીતિ
અંબાલાલ પટેલની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તેમના આંકલન મુજબ, આ બિન-મોસમી વરસાદના કારણે ખાસ કરીને ઘઉં, તુવેર અને જીરૂ જેવા શિયાળુ પાકોને નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પોતાના પાકની જાળવણી માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
