Gujarat Weather: 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, આજે સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. હવામાન વિભાગે આજે 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં આઠ ઈંચથી વધુ, સુરતના કામરેજ અને પલસાણામાં સાડા છ ઈંચ, સુરત શહેરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે, 22 જુલાઈ 2024એ રાજ્યના 9 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.
વળી, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગ તેમજ રાજકોટ, જામનગર, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દાહોદ, વડોદરા અને સુરેન્દ્રનગર, મોરબી તેમજ કચ્છમાં આજે ભારે વરસાદ પડી શકે છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 22મી જુલાઈ સુધી 2022માં 60.22 ટકા અને 2023માં 91.92 ટકા વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ સુધી 25 ટકા પણ વરસાદ થયો નથી.
સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 57.10 ટકા, કચ્છમાં 51.10 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 23.09 ટકા વરસાદ નોંધાયો છે. વલસાડમાં સૌથી વધુ 38.82 ઈંચ અને પાટણમાં સૌથી ઓછો 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જુનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 30 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જુનાગઢના વંથલીમાં સૌથી વધુ 47.87 ઈંચ, બનાસકાંઠાના કાંકરેજમાં સૌથી ઓછો 2.45 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના ચાણસ્મા, બનાસકાંઠાના વાવ, દાહોદના દેવગઢ બારિયા, બનાસકાંઠાના થરાદ અને કચ્છના રાપરમાં 5 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. 9 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડયો છે. 133 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકામાં સિઝનનો સૌથી વધુ 108 ટકા, પોરબંદરમાં 96 ટકા અને જુનાગઢમાં 91 ટકા વરસાદ વરસાદ વરસ્યો છે. દાહોદમાં સૌથી ઓછો 19.74 ટકા વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
