Gujarat Weather: ઠંડીનુ જોર અચાનક ઘટ્યુ, નલિયામાં પારો 13 ડિગ્રી, વરસાદની સંભાવના
Gujarat Weather: ગુજરાતમાં તાપમાનનો પારો સોમવારે અચાનક ઉચકાતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો હતો. રાજ્યના સૌથી ઠંડી શહેર કચ્છના નલિયામાં 5 ડિગ્રી જેટલુ તાપમાન વધીને 13 ડિગ્રીએ પહોંચી ગયુ હતુ.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાન યથાવત રહેશે. સવારે અને રાતે ઠંડીનુ પ્રમાણ વધુ રહેશે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. વાતાવરણ સૂકુ રહેશે.

ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. આઈએમડીના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યનુ તાપમાન વધશે અને પારો 1થી 2 ડિગ્રી જેટલો ઉચકાશે. લોકોને કાતિલ ઠંડીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ પાંચ-છ દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં આગામી બે દિવસ વાદળા રહેશે. વરસાદની સંભાવના નહિવત છે. વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 27થી 30 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 13.9 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી, સુરતમાં 16.7 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, દ્વારકામાં 18.5 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 29.4 ડિગ્રી, નલિયામાં 28.6 ડિગ્રી, ડીસામાં 28.6 ડિગ્રી, ગાંધીનગરમાં 28.9 ડિગ્રી, વડોદરામાં 30.6 ડિગ્રી, સુરતમાં 30.8 ડિગ્રી, કંડલામાં 28.1 ડિગ્રી, દ્વારકામાં 26.2 ડિગ્રી, રાજકોટમાં 30.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
