Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસાદ, 17 જુલાઈથી ભારે વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 16 જુલાઈ સુધી હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને ભરુચમાં ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે જણાવ્યુ હતુ કે આ અઠવાડિયાના અંત સુધીમાં હળવો વરસાદ રહેશે. જો કે, વલસાડ, નવસારી, સુરત, ભરુચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવા વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની સંભાવના છે. વળી, અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ 17 જુલાઈથી વરસાદનુ જોર વધવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે જે સર્ક્યુલેશન દક્ષિણ યુપીના મધ્ય ભાગમાં છે તે ગુજરાત તરફ આવે છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના છે.
રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દ્વારકા અને દીવ તેમજ વડોદરા, ભરુચ, સુરત, નર્મદામાં હળવા વરસાદની સંભાવનાઓ છે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યુ હતુ કે 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનુ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.












Click it and Unblock the Notifications
