Gujarat Weather: રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ, ધૂમ્મસ, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આગામી 5 દિવસ આગાહી
ગુજરાતમાં ઠેર-ઠેર કરા સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ધૂમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. આગામી 5 દિવસ વરસાદની આગાહી. જાણો હવામાનની લેટેસ્ટ અપડેટ.
Gujarat Weather: રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી હવામાનમાં આવેલા પલટાના કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ સાથે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધવાથી અમદાવાદમાં સવારે ધૂમ્મસ છવાઈ ગયુ હતુ અને હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. વાતાવરણમાં આવેલા પલટાથી અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા હતા.

સૌરાષ્ટ્રમાં ખાબક્યો વરસાદ
કાલે રાતે ગીર સોમનાથમાં ગીરગઢડામાં જંગલ વિસ્તારના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે. લીંબડી શહેર અને ચુડા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બોટાદના ગઢડા સહિત લાઠીદડ, કારિયાણી, પડવદર, સમઢીયાળા, સીતાપર સહિતના ગામોમાં વરસાદ થયો છે. અમરેલીના ધારીના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

ખેતીના પાકને નુકશાન
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અમદાવાદ સહિત સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં વરસાદી માહોલ રહેવાની તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ કમોસમી વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવાર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઘટીને 35 ડિગ્રીએ પહોંચ્યો છે. સૌથી નીચુ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.માવઠાના કારણે ઘઉં, જીરુ, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકશાન થયુ છે.












Click it and Unblock the Notifications
