Gujarat Weather: ગુજરાતમાં 13 અને 14 માર્ચે ફરીથી માવઠાની આગાહી, ગરમી પણ વધશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરીથી માવઠાની સંભાવના છે. માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે હીટવેવની પણ આગાહી કરી છે.

Gujarat Weather: હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરીથી માવઠાની સંભાવના છે. માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે હીટવેવની પણ આગાહી કરી છે. આવતા અઠવાડિયાની શરુઆતમાં જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

10થી 12 તારીખ સુધી હીટવેવની આગાહી
રાજ્યમાં હાલમાં ગરમીનો પારો વધી રહ્યો છે તેવા સમયે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધુ ભીષણ ગરમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનના પારો 38ને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 10થી 12 તારીખ સુધી હીટવેવની આગાહી કરી છે. અહીં સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે રહેવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ રેકૉર્ડતોડ ગરમી પડી હતી. જો કે, માર્ચ મહિનાની શરુઆતમાં વરસાદના કારણે ગરમીમાં વધારો થયો ન હતો. આવનારા દિવસોમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચના મધ્ય સુધીમાં તાપમાનનો પારો 40 પર પહોંચે તેવી સંભાવના છે.

ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના
જો કે, રાજ્યના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવવાની પણ સંભાવના દર્શાવાઈ છે. રાજ્યના અમુક ભાગોમાં માવઠાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13થી 15 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આઈએમડી મુજબ 13 અને 14 તારીખે ગુજરાતમાં હળવા કે ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં પણ કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વળી, હવામાન વિભાગ મુજબ 13મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ માવઠાની આગાહી છે. વળી, સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે. 14 માર્ચના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાજ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં માવઠાની આગાહી છે. આ ઉપરાંત 13 અને 14 માર્ચે આ જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કમોસમી વરસાદથી ખેડૂતોને થશે નુકશાન
નોંધનીય છે કે રાજ્યમાં હાલમાં રવી પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો રવી પાકની લણણીમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં માવઠુ થવાથી ખેડૂતોને નુકશાન થઈ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભૂજ, નલિયા અને કેશોદમાં નોંધાયુ હતુ. અમદાવાદમાં 36, રાજકોટમાં 37, વડોદરાલ અને સુરતમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી નીચુ 15 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં 19, ગાંધીનગરમાં 21, રાજકોટમાં 20, વડોદરામાં 18, સુરતમાં 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
