ગુજરાતમાં કમોસમી વરસાદ, હજુ આગામી 4 દિવસ વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 9 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લી, સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છમાં 3 મિ.મિ. સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં માવઠુ
તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. પાટણ અને શંખેશ્વરમાં હળવા ઝાપટા પડ્યા હતા. માવઠાના કારણે ઠંડીનો પારો 10 ડિગ્રી વધુ રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં બે દિવસ કમોસમી વરસાદ
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી-માળિયા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વાદળછાયા વાતાવરણ અને 5 દિવસ પછી ઠંડી વધવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાનના બદલાતા મિજાજના કારણે ખેડૂતોને ઘાસચારો અને પાક બગડવાની ચિંતા થઈ રહી છે.












Click it and Unblock the Notifications
