ગુજરાતમાં ઠંડીનો ચમકારો: રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું નલિયા, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં શિયાળો હવે પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ પવનની દિશા બદલાતા ઠંડીનું જોર હજુ પણ વધવાની શક્યતા છે.

નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
કચ્છનું નલિયા હંમેશની જેમ રાજ્યનું 'કોલ્ડ સેન્ટર' બની રહ્યું છે. અહીં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન (સેલ્સિયસમાં)
શહેર | તાપમાન
નલિયા | 11.2°
ગાંધીનગર | 14.0°
ડીસા | 13.2°
અમદાવાદ | 15.1°
રાજકોટ | 14.4°
ભુજ| 15.0°
અમરેલી | 13.8°
સુરત | 17.8°
વડોદરા | 14.6°
પોરબંદર | 14.2°
હવામાન વિભાગની મહત્વની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, હાલમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 24 કલાક સુધી તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ પવનની દિશામાં ફેરફાર થતા તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
નોંધનીય છે કે, અમદાવાદમાં હાલ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે (16.2 ડિગ્રી), પરંતુ આગામી દિવસોમાં પારો ગગડતા શહેરીજનોને ફરીથી કાતિલ ઠંડીનો અહેસાસ થશે.
નવા વર્ષ પહેલા ઠંડીની જમાવટ
સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઘટતી હોય છે, પરંતુ આ વર્ષે જાન્યુઆરીના પ્રારંભ પૂર્વે જ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં થતી હિમવર્ષાની અસર મેદાની પ્રદેશોમાં જોવા મળી રહી છે, જેના કારણે આગામી સપ્તાહમાં ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે.












Click it and Unblock the Notifications
