Gujarat Weather: દ્વારકા અને સુરત જળબંબાકાર, આજે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. અનેક નદીઓ ગાંડીતૂર બની છે, જળાશયો છલકાઈ ગયા છે. ઘણા ગામોમાં પાણી ઘૂસી ગયા છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા મુજબ મંગળવારે 23 જુલાઇએ સવારે 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 6 ઇંચ અને કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ અને ભાણવડમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લાના માંડવીમાં 141 મીમી, નખત્રાણામાં 127 મીમી અને રાપરમાં 108 મીમી વરસાદ નોંધાયો હતો. જામનગરના જોડિયામાં 134 મીમી અને સુરતના પલસાણામાં 120 મીમી વરસાદ થયો હતો. આજે પણ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે.
આઈએમડીની આગાહી પ્રમાણે બુધવારે 24 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ દિવસમાં 50 ઈંચ વરસાદ થયો છે. અનેક ગામડાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
#WATCH | Gujarat CM Bhupendra Patel conducts an aerial survey of the flood-affected areas in Devbhumi Dwarka district.
— ANI (@ANI) July 23, 2024
(Video: Gujarat CMO) pic.twitter.com/gTHwz7JJfH
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદરમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.












Click it and Unblock the Notifications
