ગુજરાતમાં આવેલા વાઘ માટે સરકારે કેન્દ્ર પાસે વાઘણની માંગણી કરી
એશિયાઈ સિંહો અને દીપડાઓના ઘર એવા ગુજરાતમાં હવે વાઘનો પણ વસવાટ નોંધાયો છે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં કાયમી વસવાટ કરતા નર વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વાઘણની માંગણી કરી છે.

રાજ્યના વન વિભાગે કેન્દ્રીય વન મંત્રાલયને પત્ર લખી વાઘણ પૂરી પાડવા વિનંતી કરી છે. મધ્યપ્રદેશથી આવેલા પાંચ વર્ષના આ વાઘને રતનમહાલમાં સ્થાયી કરી તેનો વંશ વધારવાનો અને ગુજરાતને વાઘના નિવાસસ્થાન તરીકે વિકસાવવાનો ઈરાદો છે.
મધ્યપ્રદેશમાંથી વાઘણ લાવવાનું સૂચન કરાયું છે, કારણ કે ત્યાંનું ભૂમિ-વાતાવરણ ગુજરાતને સમાન છે. આ પ્રયાસ સફળ થાય તો ગુજરાત સિંહ, વાઘ અને ચિત્તા જેવા ત્રણેય મોટા શાહી પ્રાણીઓનું ઘર બનનારું ભારતનું એકમાત્ર રાજ્ય બની વૈશ્વિક ઓળખ મજબૂત કરશે.
ગુજરાતના ગાઢ જંગલોમાં 32 વર્ષ પછી એક રોયલ બંગાળ વાઘની ગર્જના ફરી સંભળાઈ છે. દાહોદના રતન મહેલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા નવ મહિનાથી કાયમી નિવાસ કરી રહેલો આ પાંચ વર્ષનો વાઘ કેમેરા ટ્રેપ અને ફિલ્ડ સર્વેમાં નજરે ચડ્યો છે.
આ વાઘ મધ્યપ્રદેશના ઝાબુઆ અને કાઠીવાડા સરહદથી આવ્યો હોવાનું મનાય છે. ત્યાં વાઘની સંખ્યા વધતા તે નવા પ્રદેશની શોધમાં ગુજરાત પહોંચ્યો હતો. વન ટીમોએ તેને કાયમી રહેવાસી ગણાવ્યો છે.
જો કે, આ ખુશી સાથે કેટલીક ચિંતાઓ પણ છે. વાઘ માટે પૂરતા શિકારની ઉપલબ્ધતા અને તેના નિવાસસ્થાનની સુરક્ષા પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. આ જરૂરિયાતો પૂરી ન થાય તો આ મહેમાન વાઘ અન્યત્ર જઈ શકે છે.












Click it and Unblock the Notifications
