Republic Day Parade 2026 : સતત ચોથા વર્ષે ગુજરાતના ટેબ્લોએ ઇતિહાસ રચ્યો, પ્રથમ સ્થાન મેળવ્યુ
Republic Day Parade 2026 : નવી દિલ્હીના કર્તવ્ય પથ પર 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પરેડમાં રજૂ થયેલી વિવિધ રાજ્યોની ઝાંખીઓમાં ગુજરાતના ટેબ્લોએ મેદાન માર્યું છે. દેશભરના લોકોએ વોટિંગ કરીને ગુજરાતની ઝાંખીને 'પોપ્યુલર ચોઈસ એવોર્ડ'માં પ્રથમ સ્થાન અપાવ્યું છે.

વર્ષ 2026ની પરેડમાં ગુજરાતનો ટેબ્લો 'સ્વતંત્રતા કા મંત્ર: વંદેમાતરમ' થીમ પર આધારિત હતો. આ ટેબ્લો દ્વારા આઝાદીના જંગમાં ગુજરાતના ક્રાંતિવીરોનું અમૂલ્ય યોગદાન સચોટ રીતે દર્શાવવામાં આવ્યું હતું. વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પ્રસ્તુતિ અત્યંત પ્રેરણાદાયી રહી હતી.
ગુજરાતના ટેબ્લોએ આ સફળતા સાથે રાષ્ટ્રીય સ્તરે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રાજ્યની ઝાંખીએ વર્ષ 2023, 2024, 2025 અને હવે 2026માં સતત ચોથા વર્ષે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. આ સિદ્ધિએ દેશભરમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનો ડંકો ફરી એકવાર વગાડ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક જીત બદલ સોશિયલ મીડિયા પર હર્ષની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના સ્વાતંત્ર્યવીરોને સમર્પિત આ ટેબ્લોને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. આ સફળતા બદલ તેમણે રાજ્યના તમામ નાગરિકો અને કલાકારોને અભિનંદન પાઠવ્યા છે.
ઘણા આનંદની વાત છે કે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાએલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 29, 2026
ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે… pic.twitter.com/PGRwSHAL5C
ટેબ્લોમાં સ્વદેશી ચળવળ અને આત્મનિર્ભરતાના સંદેશને કલાત્મક રીતે વણી લેવામાં આવ્યો હતો. કર્તવ્ય પથ પર જ્યારે આ ઝાંખી પસાર થઈ ત્યારે પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવીને ગુજરાતની કલાને હૃદયપૂર્વક બિરદાવી હતી.












Click it and Unblock the Notifications
