25 ઓગસ્ટથી હાર્દિક પટેલ ફરીથી કરશે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત
આજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સવારે સોશિયલ ફેસબુકના માધ્યમથી લાઇવ થઇ જાહેરાત કરી હતી કે તેઓ આગામી 25 ઓગસ્ટના રોજથી આમરણાંત ઉપવાસ આંદોલન કરશે.
પાટીદાર અનામત આંદોલન ફરીથી ઉભરી આવે તેવી જાહેરાત હાર્દિક પટેલે આપી છે. આજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સવારે સોશિયલ ફેસબુકના માધ્યમથી લાઇવ થઇ જાહેરાત કરી હતી કે તેઓ આગામી 25 ઓગસ્ટના રોજથી આમરણાંત ઉપવાસ આંદોલન કરશે. જ્યા સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યા સુધી તેઓ આ આંદોલન જારી રાખશે. હાર્કિક પટેલે પોતાની અનામતની લડાઇ હજુ ચાલુ હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

અનામત માટે આમરણાંત ઉપવાસની ચિમકી
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલે આજે જણાવ્યું હતું કે આગામી 25 ઓગસ્ટ એટલે કે, પાટીદાર ક્રાંતિ દિવસથી તે પાટીદારોને અનામત નહીં મળે ત્યા સુધી આમરણાંત ઉપવાસ આંદોલન શરુ કરશે. આ આંદોલન પાટીદારોને જ્યાં સુધી અનામત નહીં મળે ત્યા સુધી અન્નનો એક પણ દાણો નહીં લેવાની જાહેરાત હાર્દિક પટેલે કરી છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે અનામત આંદોલનના કારણે પાટીદારોની સાથે સાથે અન્ય સમાજના લોકોને પણ લાભ થયો છે. અનામત આંદોલનમાં સલાહ કરતા સહયોગ આપવાની જરૂર છે. હાર્દિક પટેલે દારુના અડ્ડા પર જનતા રેડ અંગે થતા સવાલો પર પણ જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતુ કે અનામતની સાથે ખેડૂતો અને લોકોના મુદ્દાઓ પર પણ તેઓ લડત આપશે.

વિરોધીઓ પર પણ કર્યા પ્રહાર
ફેસબુક લાઇવ દરમિયાન હાર્દિક પટેલે પાટીદારોની લડતનો અન્ય સમાજ અને લોકોને ઘણો ફાયદો થયો હોવાનું પણ જણાવ્યું હતું. હાર્દિક પટેલે યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી તેમના આંદોલનનો વિરોધ કરીને ધારાસભ્ય સુદ્ધાં બન્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની સમાજ હિતની લડાઇમાં સાથ આપ્યાનો પણ હાર્દિક પટેલે મત વ્યક્ત કર્યો હતો.

ત્રણ યુવા નેતાઓ પણ કરશે સમર્થન
હાર્દિક પટેલે એમ પણ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેસ મેવાણી પણ પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપશે.

ગાંધીનગરમાં કરી હતી જનતા રેઇડ
ઉલ્લેખનિય છેકે, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક જનતા રેઇડ કરીને એક મહિલાના ઘરમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, તેમાં મહિલાએ પોતાના ઘરમાં ગેરકાયદે ઘુસ્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે, ત્રણે યુવા નેતાઓ, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણે યુવા નેતાઓએ ગઇકાલે રાત્રે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ ધરણાં કરી જિલ્લા પોલીસ વડા સમક્ષ બુટલેગરોનું લિસ્ટ જાહેર કરવાની અને તેમની સામે કામગીરી કરવાની માંગ કરી હતી.

ડીએસપી કચેરીએ કર્યો હતો વિરોધ
જિલ્લા પોલીસ વડાની કચેરીએ સમર્થકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. પોલીસે પણ જિલ્લા ડીએસપી કચેરીએ ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેતાં ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે, આ વિવાદ શાંત થયો નથી ત્યાં, હાર્દિક પટેલે ફરીથી આંદોલનની જાહેરાત કરતાં રાજકિય ભૂકંપ સર્જાયો છે.












Click it and Unblock the Notifications
