HCL ટેકનોલોજીસ GIFT સિટીમાં ગુજરાતનું પહેલુ સેન્ટર ખોલશે, 1500 નવી નોકરીઓનું સર્જન થશે
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) ભારતના એક અગ્રણી ટેકફિન હબ તરીકે ઉભરી રહ્યું છે, જે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો ઊભી કરી રહ્યું છે.
ઇન્ફોસિસ, વિપ્રો, અને કોગ્નિઝન્ટ જેવી મોટી ટેક કંપનીઓની ઉપસ્થિતિ બાદ હવે HCL ટેકનોલોજીસ લિમિટેડ પણ GIFT સિટીમાં પોતાનું નવું કેન્દ્ર સ્થાપિત કરવા જઈ રહી છે.

માહિતી અનુસાર, HCL ટેક GIFT સિટીમાં આશરે ૧૫૦૦ કર્મચારીઓ સાથે એક અત્યાધુનિક ટેકફિન હબ શરૂ કરવાની યોજના ધરાવે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) સમક્ષ HCL ટેકનોલોજીસ દ્વારા રજૂ કરાયેલી અરજીમાં આ માહિતી સામે આવી છે.
આ ગુજરાતમાં HCLનું પ્રથમ કેન્દ્ર હશે, જે તેના વૈશ્વિક નાણાકીય સેવાઓના ગ્રાહકોને ટેકો પૂરો પાડશે. આ કેન્દ્રનું સંચાલન સીધું HCLના મુખ્ય કાર્યાલય દ્વારા ભંડોળ મેળવીને કરવામાં આવશે.
GIFT સિટી ફિનટેક અને ટેકફિન કંપનીઓ માટે એક આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે. IFSCA દ્વારા અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૧૮ ફિનટેક અને ટેકફિન કંપનીઓની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જેઓ GIFT સિટીમાં તેમની કામગીરી શરૂ કરવા ઉત્સુક છે.
HCL ટેક જેવી અગ્રણી કંપનીઓના આગમનથી GIFT સિટીની ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક હબ તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે. આ વિકાસ ગુજરાતમાં ટેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે અને યુવાનો માટે રોજગારીની વિશાળ તકોનું સર્જન કરશે. આનાથી રાજ્યના આર્થિક વિકાસને પણ વેગ મળશે.












Click it and Unblock the Notifications
