T20 વર્લ્ડ કપ 2026 માટે વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારત ક્યારે અને કોની સામે રમશે?
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના મુખ્ય મુકાબલાઓ શરૂ થાય તે પહેલાં ક્રિકેટ ચાહકોને મેદાન પર ભરપૂર એક્શન જોવા મળશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કુલ ૧૬ વોર્મ-અપ મેચોની જાહેરાત કરવામાં આવી છે, જે ૭ ફેબ્રુઆરીથી શરૂ થનાર મુખ્ય ટુર્નામેન્ટ પૂર્વે યોજાશે.
આ મેચોનો મુખ્ય હેતુ તમામ ૨૦ ભાગ લેનાર ટીમોને ઉપમહાદ્વીપની પીચો અને સ્થાનિક પરિસ્થિતિઓ સાથે તાલમેલ સાધવાની તક પૂરી પાડવાનો છે.

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય મુખ્ય ટીમ પોતાનો એકમાત્ર પ્રેક્ટિસ મેચ ૪ ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ હાઈ-પ્રોફાઈલ મુકાબલો નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે.
મોટાભાગના પૂર્ણ-સભ્ય દેશો માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે, જ્યારે સહયોગી દેશોને પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવા માટે બે-બે તક મધળશે.
આ વખતના વોર્મ-અપ મેચોનું એક રસપ્રદ પાસું યજમાન દેશોની 'એ' ટીમો, એટલે કે ભારત-એ અને શ્રીલંકા-એની ભાગીદારી છે. મહેમાન ટીમોને સઘન અભ્યાસ મળી રહે તે હેતુથી બીસીસીઆઈએ 'ઇન્ડિયા-એ'ની એક અલગ ટુકડી ઉતારવાનો નિર્ણય લીધો છે.
શ્રીલંકા-એની ટીમ પણ ૩ ફેબ્રુઆરીએ ઓમાન સામે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) સૌથી વધુ ત્રણ વોર્મ-અપ મેચ રમશે, જેમાંથી તેમની પ્રથમ મેચ ઇન્ડિયા-એ સામે હશે.
આ કુલ ૧૬ વોર્મ-અપ મેચો ૨ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૬ ફેબ્રુઆરી સુધી રમાશે, જેમાં વિવિધ દેશો એકબીજા સામે પોતાની તૈયારીઓ ચકાસશે. ભારત, ભારત-એ, શ્રીલંકા-એ અને યુએસએ જેવી ટીમો ઉપરાંત, અફઘાનિસ્તાન, કેનેડા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી અન્ય પૂર્ણ-સભ્ય અને સહયોગી ટીમો પણ આ પ્રેક્ટિસ સેશન્સમાં ભાગ લેશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ૨૦ ટીમોમાંથી, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા જ એવી બે ટીમો છે જે સત્તાવાર વોર્મ-અપ મેચોમાં ભાગ લેશે નહીં. તેનું કારણ એ છે કે આ બંને દેશો વચ્ચે ૩૦ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી દરમિયાન પલ્લેકેલેમાં ત્રણ મેચની દ્વિપક્ષીય ટી૨૦ શ્રેણી રમાવાની છે. આ શ્રેણી જ તેમના માટે મુખ્ય અભ્યાસનું માધ્યમ બનશે.












Click it and Unblock the Notifications
