અમદાવાદને વધારાનું નર્મદાનું પીવાનું પાણી અપાશે
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની વધતી જતી વસ્તી અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવાયો છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા શહેર માટે દૈનિક 467 MLD વધારાનું કાચું પાણી આપવાની મંજૂરી અપાઈ છે.

હાલમાં શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં જસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. આ પ્લાન્ટ હાલમાં 400 MLD પાણી શુદ્ધ કરીને ચાંદખેડા, મોટેરા અને રાણીપ જેવા વિસ્તારોમાં સપ્લાય કરે છે.
વૈષ્ણોદેવી સર્કલ અને એસ.જી. હાઈવે પર થયેલા ઝડપી શહેરીકરણને કારણે પાણીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જસપુર ખાતે નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય તેજ કરવામાં આવ્યું છે.
જસપુર ખાતે ટૂંક સમયમાં 200 MLDનો નવો પ્લાન્ટ કાર્યરત થતાં કુલ ક્ષમતા 600 MLD સુધી પહોંચી જશે. આ ઉપરાંત ભવિષ્યમાં વધુ 250 MLDનો પ્લાન્ટ બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
ધોળકા બ્રાન્ચ કેનાલમાં મેન્ટેનન્સ વખતે સર્જાતી પાણીની અછતને રોકવા માટે હવે સીધું જ આયોજન કરાયું છે. હવે નર્મદા મુખ્ય કેનાલ પર નવું હેડ રેગ્યુલેટર બનાવીને સીધું જ કાચું પાણી મેળવવામાં આવશે.
વર્ષ 2040 સુધીમાં અમદાવાદની વસ્તી 1.40 કરોડ થવાનો અંદાજ હોવાથી આ અગમચેતીનું પગલું લેવામાં આવ્યું છે. આ વધારાના પાણીના ક્વોટાથી શહેરના પશ્ચિમ ભાગમાં પાણીની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.












Click it and Unblock the Notifications
